News of Tuesday, 23rd January 2018

મુખ્યમંત્રી રૂપાણી સહિત બધા સભ્યના હોદ્દા-ગુપ્તતાના શપથ

સ્વર્ણિમ સંકુલ ખાતે શપથિવિધિ સમારોહ યોજાયો : ૧૮૨ ધારાસભ્યો પૈકીના ત્રણ ધારાસભ્યો ગેરહાજર રહ્યા શપથ ગ્રહણ કરતાં હવેથી ધારાસભ્ય તરીકેના લાભો શરૂ

અમદાવાદ,તા. ૨૩ : ગાંધીનગર ખાતે આજે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના ચૂંટાયેલા ધારાસભ્યોનો ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો. નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો.નીમાબહેન આચાર્યએ શપથ લેવડાવ્યા હતા, જેના અનુસંધાનમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જો કે, આજના શપથવિધિ સમારોહમાં મીડિયાને બાકાત રખાયું હતુ, જેને લઇ પણ આજે મામલો ગરમાયો હતો. બીજી એક મહત્વની વાત એ હતી કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું જોવા મળ્યું હતું કે, ચૂંટણીઓના પરિણામ બાદ એક મહિનાના લાંબા સમય બાદ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ કર્યા હોય તેવું બન્યું હોય. આવુ ગુજરાતના ઇતિહાસમાં કયારેય બન્યું નથી. સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે સાબરમતી સભાગૃહ ખાતે યાજાયેલા શપથવિધિ સમારોહમાં આજે રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠકોના ધારાસભ્યો પૈકી ભાજપના ત્રણ ધારાસભ્યો વિભાવરીબહેન દવે, જગદીશ પંચાલ અને પરસોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા હતા, જેને પગલે ૧૭૯ ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકરે શપથ લેવડાવ્યા હતા. મંત્રી વિભાવરીબહેન દવે વિદેશ પ્રવાસે હોઇ, જગદીશ પંચાલ આઉટ ઓફ સ્ટેટ હોઇ અને પરસોત્તમ સોલંકીના ઘેર પ્રસંગ હોવાથી તેઓ શપથ સમારોહમાં હાજર રહી શકયા ન હતા અને તેથી તેઓ શપથ ગ્રહણ કરી શકયા ન હતા. આજના શપથવિધિ સમારોહમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો પણ સમાવેશ થતો હતો. દરમ્યાન મોરવાહડફની એસટી બેઠકના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના પિતા ઓબીસી હોવાનું કારણ આગળ ધરીને આદિજાતિ કમિશનર દ્વારા તેમનું જાતિનું પ્રમાણપત્ર રદ કરાયું છે જો કે, હજુ સુધી તેમને ચૂંટણીપંચે ગેરલાયક ઠરાવ્યા ન હોઇ તેઓ પણ શપથવિધિ સમારોહમાં સામેલ થયા હતા અને ગોપનીયતાના શપથ લીધા હતા. જો કે, આજના શપથવિધિ સમારોહ દરમ્યાન મીડિયાપર્સન્સને બાકાત રખાતાં ભારે વિવાદ છેડાયો હતો. સુરક્ષા કર્મીઓએ મીડિયાપર્સન્સને ગેટ પર જ અટકાવ્યા હતા કે, ઉપરથી સૂચના છે. મીડિયાકર્મીઓમાં પણ આટલા સારા પ્રસંગે સરકારના આ પ્રકારના વ્યવહાર અને અભિગમને લઇ ભારે નારાજગી પ્રવર્તી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવવા માટે રાજયપાલ ઓ.પી.કોહલી દ્વારા તા. ૧૬મી જાન્યુઆરીએ જ ડો.નીમાબહેન આચાર્યને પ્રોટેમ સ્પીકર તરીકે નીમવામાં આવ્યા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ના થાય ત્યાં સુધી ડો.નીમાબહેન આચાર્ય પ્રોટેમ સ્પીકર તરીકે ચાલુ રહેશે. દરમ્યાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો જયાં સુધી શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી નિયમ પ્રમાણે તેમના પગારભથ્થાં તેમ જ સરકારી લાભો મળતા નથી. ચૂંટણી જીત્યા બાદ પણ એક મહિના સુધી નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અત્યારસુધી શપથ ગ્રહણ નહી કર્યા હોવાના કારણે એક મહિનાનો પગાર જવા દેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે, આજે શપથ ગ્રહણ કરાયા બાદ હવે નવા ધારાસભ્યોને મળવાપાત્ર તમામ લાભો શરૂ થઇ જશે.

 

(7:49 pm IST)
  • પદ્માવત ફિલ્મી ૨૫મી એ જ રીલીઝ થશેઃ સુપ્રીમ કોર્ટનો આદેશઃ પદ્માવત ફિલ્મના વિવાદ મુદ્દે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ભાજપ સરકારની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી અને કહ્યું કે, કાયદી અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યોની છેઃ ફિલ્મ પદ્મવત વિરુદ્ધની તમામ અરજીઓ રદ કરતી સુપ્રીમ કોર્ટ access_time 11:56 am IST

  • ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચૂંટણી બાદ પાણી બંધ કરી દેવાયું : અલ્પેશ ઠાકોરનું અલ્ટીમેટમ : ૨૪ કલાકમાં પાણી નહિં આપો તો ગાંધીનગરમાં મોરચો ખોલવા જાહેરાત access_time 3:59 pm IST

  • ટાઈપ વન ડાયાબીટીસ તથા ઈન્સ્યુલીન લેનારા વિદ્યાર્થીઓનેે 'સીબીએસઈ' દ્વારા વિકલાંગનો દરજજો :ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા તથા ઈન્સ્યુલિનનું ઈન્જેકશન લેતા વિદ્યાર્થીઓને સીબીએસઈ બોર્ડએ 'વિકલાંગ'નો દરજજો આપવાનું નકકી કર્યુ છેઃ આવા વિદ્યાર્થીઓ હવે બોર્ડની પરિક્ષા આપતી વખતે સુગર ટેબલેટ, ચોકલેટ, પાણીની બોટલ જેવી વસ્તુઓ પોતાની સાથે લઈ જઈ શકશે access_time 3:59 pm IST