Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વલસાડના મધુસ્મૃતિ હોલમાંથી 50 તોલા દાગીનાની ઉઠાંતરી કરી ગઠિયા છૂમંતર

વલસાડ:કસ્તુરબા હોસ્પિટલ નજીક આવેલા મોચી સમાજના મધુસ્મૃતિ હોલમાં ઇન્દોરથી લગ્ન માટે આવેલા યુવકના પરિવારની ૫૦ તોલાના દાગીના કિંમત રૃા.૧૦ લાખ અને રોકડા રૃા.૧ લાખ ભરેલી બેગ લઇ કોઇ ચોર ફરાર થઇ ગયો હતો. પરિવાર હોલના રૃમમાં સૂતો હતો, ત્યારે ખુલ્લા દરવાજાનો લાભ લઇ ચોર બેગ તફડાવી ગયો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે.

દુલ્હન માધવી માટે લાવેલા સોનાનો હાર, વીટી, બુટ્ટી, મંગળસૂત્ર, ચેઇન મળી કુલ ૫૦ તોલા સોનાના દાગીના અને રોકડા રૃા.૧ લાખ મુકેલી બેગ મધુસ્મૃતિ હોલના રૃમમાં રાખી હતી. જ્યાં મહિલાઓ સૂતી હતી. આ સિવાય કેટલાક પરિવારજનો હોલમાં મંડપ નજીક સુતા હતા. મહિલાઓએ રૃમનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. ત્યારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યાના સમયે કોઇ શખ્શ મોઢા પર રૃમાલ બાંધી હોલમાં પ્રવેશ્યો હતો અને આંટાફેરા મારતો હતો.

ત્યારબાદ આ શખ્સ હોલના રૃમમાં ગયો અને ત્યાંથી સોનાના ૫૦ તોલા દાગીના કિંમત રૃા. ૧૦ લાખ અને રોકડા રૃા. ૧ લાખ મળી કુલ રૃા.૧૧ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. સોમવારે પુત્રના લગ્ન હોય તેમણે લગ્ન પતાવી સાંજે વલસાડ સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિલિપભાઇની ફરિયાદ લઇ અજાણ્યા વિરૃધ્ધ ગુનો દાખલ કરી સીસીટીવીમાં કેદ થયેલા ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

(5:48 pm IST)