Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આણંદના જુના બસસ્ટેન્ડ, સ્ટેશન વિસ્તારમાં વેપારીઓ પાસે હપ્તા ઉઘરાવનાર અસામાજિક તત્વોનો આતંક

આણંદ:શહેરના હાર્દસમા જુના બસ મથક તેમજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વેપાર-ધંધો કરતા નાના દુકાનદારો તેમજ લારી-ગલ્લાંના વેપારીઓ પાસેથી છેલ્લા ઘણાં સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રતિદિન નિયત કરેલ રકમનો હપ્તો વસુલવામાં આવતો હોવાની બુમ ઉઠવા પામી છે. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના ફોલ્ડરીયાઓ દ્વારા સાંજના સમયે નિયમિત આ હપ્તાની રકમ વસુલી ભ્રષ્ટ અધિકારીઓને પાછલા બારણે પહોંચાડવામાં આવતી હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે.

આ અંગે એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી આણંદ શહેરના જુના બસ મથક વિસ્તારમાં વેપાર-ધંધો કરતા  દુકાનદારો પાસેથી કેટલાક શખ્શો આવીને ધાક-ધમકી આપી જો અહીં વેપાર-ધંધો કરવો હોય તો અમોને નિયમિત નિયત કરેલ રકમનો હપ્તો આપવો પડશે. વધુમાં આવા માથાભારે તત્વો દ્વારા પોતે પાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસના વહીવટદારો હોવાની ઓળખ આપી લારી-ગલ્લાંવાળા પાસે પ્રતિદિન નિયત કરેલી રકમ વસુલી રહ્યા છે.
શહેરના રેલ્વે સ્ટેશન અને જુના બસ મથક વિસ્તારમાં આવેલ લારી-ગલ્લાંવાળાઓ પાસેથી હપ્તારૃપી તગડી રકમ વસુલ કરતા તત્વો શું ખરેખર પાલિકા અથવા તો પોલીસના કેટલાક કર્મચારીઓ છે કે પછી પાલિકા અને પોલીસના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓની સીધી દોરવણી હેઠળ કેટલાક માથાભારે લોકો લારી-ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા વસુલ કરવાની કામગીરી કરી રહયા છે ? તેવા પ્રશ્નો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યા છે.

(5:48 pm IST)