Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગુજરાતમાં પદ્માવત રિલીઝ થશે તો કાયદો- વ્યવસ્થાની જવાબદારી ગુજરાત સરકારની : હાર્દિક પટેલ

'પાસ' સુપ્રિમો શ્રી હાર્દિક પટેલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. ફિલ્મ 'પદ્માવત'  ગુજરાતમાં રિલીઝ ન થાય તેના સમર્થનમાં આ પત્ર લખાયો છે. પત્રમાં લખ્યુ છે કે જો આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થશે તો કાનુન વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે. આ પત્રના લેટરહેડમાં હાર્દિક પટેલે પોતાની ઓળખ સામાજીક કાર્યકર તરીકે આપી છે.

તેમણે વિજયભાઈને લખ્યુ છે કે પદ્માવત ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. રાજપૂત સમાજ અને સમગ્ર સમાજની લાગણીઓને ઠેંસ પહોંચી છે અને આ ફિલ્મની રીલીઝ કરવાની છૂટથી ઉગ્ર વિરોધ સર્જાયો છે.

હાર્દિક લખે છે કે ઈતિહાસ સાથે મજાક થાય તે મને કે તેમને કોઈને પોષાય તેમ નથી. મહારાણી પદ્માવતી પોતાના રાજય અને સ્ત્રીઓના સન્માન માટે સતી થયા હતા ત્યારે કાનુન - વ્યવસ્થા અને સમાજની લાગણીઓને ધ્યાને રાખી પદ્માવત ફિલ્મ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ રાખવો જોઈએ.

દેશની સર્વોચ્ચ અદાલતનું અમે માન-સન્માન-આદર કરીએ છીએ પરંતુ દેશની અખંડિતતા માટે ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ આંખ બંધ કરીને મા ભારતીના ચરણોમાં મૂકી દીધા હતા. ત્યારે સહુની ફરજ બને છે કે રાજપૂત સમાજના સ્વમાનમાં કોઈ કમી ના રહેવી જોઈએ. અંતમાં શ્રી હાર્દિક પટેલે કહ્યું છે કે, આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થશે તો કાયદો - વ્યવસ્થાની જવાબદારી તમારી રહેશે.

(11:36 am IST)