Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મુખ્યમંત્રી હવે દર મહિને એક કલાક વેપારીઓની સમસ્યાઓ સાંભળશે

વેપારીઓ નારાજ ન થાય તે માટે પાણી પહેલા પાળ બાંધવા પ્રયાસઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો તમામ પ્રાદેશિક ચેમ્બરને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ તા. ૨૩ : સરકારની આડોડાઇને લીધે દિવાળીના દિવસે પણ વેપારીઓને GST રીટર્ન ભરવા બેસવું પડ્યું હતું. ત્યારે જ ગુજરાતના વેપારીઓએ સરકારને ચૂંટણીમાં પોતાની તાકાત બતાવી દેવાનો નિર્ધાર કર્યો હતો. જેની અસર તાજેતરમાં જ પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીના પરીણામમાં જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતમાં સરકારને ઘણી તકલીફ થઇ હતી. હવે આગમી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નારાજ વેપારીઓને મનાવી લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેમ્બરની રજૂઆતો સાંભળવા એક કલાક ફાળવી દેવાની જાહેરાત કરી છે. જરૂર લાગે ત્યાં નાણાં મંત્રી પણ ચેમ્બરની રજૂઆતો સાંભળશે. જોકે હજુ સુધી વેપારીઓના GST પોર્ટલની સમસ્યા, રીફંડ અને આયકર વિભાગના અધિકારીઓની પરેશાની સહીતના પ્રશ્નો ઠેરના ઠેર છે.

ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ચેમ્બર ઓફ કોસર્મ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)એ તમામ પ્રાદેશિક ચેમ્બરને સાંકળી લેવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગ રૂપે GCCIએ પ્રાદેશિક ચેમ્બર સાથે નિશ્યિત સમયે વીડીઓ કોન્ફરન્સ કરવાનું પણ શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામેથી દર મહિને ચેમ્બરની રજૂઆતો સાંભળવા માટે એક કલાક ફાળવવાની જાહેરાત કરી છે. આવતા મહિનાથી વેપારીઓને લગતા પ્રશ્નોની સીધી રજૂઆત મુખ્યમંત્રીને કરી શકશે.

સુરત ખાતે એક કાર્યક્રમમાં રૂપાણીએ આ જાહેરાત કરી હતી. ચેમ્બરના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, સરકારની આ જાહેરાત વેપાર -ઉદ્યોગ માટે હકારાત્મક બાબબ છે. ચેમ્બરના માધ્યમથી સરકારને વેપારીઓના પ્રશ્નોની જાણકારી મળશે અને તેનું સમાધન થઇ શકશે. ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ડ અને ઓલ ઇન્ડીયા વેપારી સંગઠનના અધ્યક્ષ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે ચૂંટણીના પરીણામો બાદ સરકારનું ધ્યાન વેપારીઓના પ્રશ્નો તરફ ગયું છે. જે સારી બાબત છે.(૨૧.૭)

શું ચેમ્બર વેપારીઓના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરશે?

સામાન્ય રીતે ચેમ્બરનું કામ જ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોના પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવી અને તેનું નિરાકરણ લાવવું. જો કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રાજકીય પાર્ટીનો અખાડો બની રહી હોવાના વેપારીઓના આક્ષેપો છે. GSTમાં વેપારીઓને પડી રહેલી તકલીફો અંગે ચેમ્બરો સરકાર સામે રજૂઆત કરવાને બદલે ચેમ્બરમાં GSTના માર્ગદર્શનનું સેન્ટર શરૂ કરી દીધું. આવી જ રીતે ઘણા મુદ્દે ચેમ્બર સરકાર સમક્ષ કડકાઇથી રજૂઆત કરવામાં નિષ્ફળ ગઇ છે. તો શું આગમી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ ચેમ્બર યોગ્ય રજૂઆત કરશે કે કેમ? તે સવાલ કેટલાક વેપારીઓને સતાવી રહ્યો છે.

(1:16 pm IST)