Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખના પદેથી હટાવાય તેવી શકયતા

વાઘાણીને મળી શકે છે કેબિનેટ પ્રધાનનો દરજ્જોઃ ભાજપને મળશે નવા પક્ષ પ્રમુખ

નવી દિલ્હી તા. ૨૨ :ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાં ધરખમ ફેરફારની શકયતાને વેગ મળ્યો છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રાજયમાં કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળી શકે તેવી ચર્ચા વચ્ચ તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ નિમવામાં આવી શકે છે. જો તેમને કેબિનેટમાં સ્થાન નહીં મળે તો આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ સુધી તેઓ જ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવશે.

વાઘાણી ભાવનગર પશ્યિમ બેઠક પરથી બીજી ટર્મ માટે ૨૭,૧૮૫ જેટલા કદાવર સરસાઈ સાથે ચૂંટણી જીત્યા છે. હાલ તો પાર્ટી સૂત્રામાં ચર્ચાતી વાતોને આધાર માનવામાં આવે તો તેઓ મુખ્યમંત્રી અથવા કેબિનેટ કક્ષાના પ્રધાનની રેસમાં છે. અનેક જાતની મુશ્કેલીઓ હોવા છતા ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય માટે રુપાણીના ફાળે પણ શ્રેય જાય છે. જેનો લાભા તેમને મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૬માં વાઘાણીની ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી યુવા પ્રદેશ પ્રમુખ છે. પાટીદાર આંદોલનનો સમાનો કરી રહેલા ભાજપે વાઘાણીની પસંદગી કરી અને તેઓ લાઇમ લાઈટમાં આવ્યા હતા. પદ સંભાળતા જ વાઘાણીએ ભાજપ વિરોધીઓને કાઉન્ટર કરવાનું શરુ કર્યું હતું અને ચૂંટણી સુધીમાં તેઓ ઘણા અંશે સફળ પણ રહ્યા હતા જેની અસર પરિણામો પર જોવા મળે છે.

ભાજપના વિરષ્ઠ નેતાએ કહ્યુ્ં કે જો પાર્ટી વાઘાણીને સરકારમાં પ્રધાનપદ આપે છે તો તેઓને પાર્ટી પ્રમુખ પદેથી દૂર કરવામાં આવશે અને તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ નિમવામાં આવશે. જોકે આગામી એક વર્ષમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે એવું પણ બની શકે કે પાર્ટી તેમને પ્રમુખ પદે કાર્યરત રાખે.

તેમણે વધુમાં કહ્યું કે જો તેમને સરકારમાં પ્રધાન બનાવવામાં આવશે તો તેવા કિસ્સામાં પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાને પસંદ કરવામાં આવશે અથવા પાટીદાર નેતાને પણ પસંદ કરવામાં આવી શકે છે. જયારે આ અંગે વાઘાણીનો સંપર્ક કરી પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, 'હું પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર્તા છું અને પક્ષ મને જે જવાબદારી સોંપશે તે પૂર્ણરુપે નિભાવિશ. ભાજપ એક કેડર આધારીત પાર્ટી છે. અહીં મારા જેવો સામાન્ય કાર્યકર્તા પણ પક્ષ પ્રમુખ બની શકે છે.'

(12:32 pm IST)