Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદમાં કર્ફ્યુનો કડક અમલ, ૧૧૫ કેસ, ૧૩૦ની અટકાયત

શહેરમાં કર્ફ્યુ અને લોકડાઉનની સંભાવનાને લઈને ભયનો માહોલ : અમદાવાદ શહેર આખું સુમસામ, બહુ ઓછા લોકો રસ્તા પર જોવા મળ્યા, પોલીસનો શહેરના એન્ટ્રી પોઈન્ટ સહિત બધા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ, તા. ૨૧ : શહેરમાં ગઈકાલ રાતથી શરુ થયેલા કર્ફ્યૂનું પોલીસ દ્વારા ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને જે લોકો કારણ વિના ઘરની બહાર નીકળી રહ્યા છે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ્સ પર પણ પોલીસે નાકાબંધી કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ફ્યૂ ભંગ કરવા બદલ પોલીસે ૧૧૫ કેસ કર્યા છે, અને ૧૩૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદમાં સોમવાર સવાર સુધી કર્ફ્યૂ રહેવાનો છે. દરમિયાન શહેરમાં બહારથી આવતા વાહનોને પણ નો-એન્ટ્રી કરી દેવાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વાહનચાલક અમદાવાદ જતા હોય, અને જેમની પાસે અમદાવાદનું આઈડી હોય તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે. બાકીના વાહનોને બાયપાસ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જીવનજરુરિયાતની ચીજવસ્તુનું વહન ના કરતા હોય તેવા વાહનોને પણ શહેરમાં નો-એન્ટ્રી છે.

કર્ફ્યૂ દરમિયાન કોઈ પોતાના ઘરની બહાર ના નીકળે તે માટે શુક્રવારે પણ પોલીસ દ્વારા ઠેર-ઠેર લાઉડ સ્પીકરો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે આમ પણ શહેરના રસ્તા પર જરાય ટ્રાફિક જોવા નહોતો મળ્યો. શહેરના મોટાભાગના વિસ્તારો હાલ સૂમસામ છે, ત્યારે સોમવાર સવાર સુધી સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે કોઈ કચાશ નથી રાખી.

શુક્રવાર રાતથી અમદાવાદમાં પોલીસે મોરચો સંભાળી લીધો હતો. કર્ફ્યૂનો ભંગ કરીને કારણ વિના બહાર ફરતા ૫૦ જેટલા લોકોની અટકાયત કરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, શનિવારે સવારે પરીક્ષા આપવા નીકળેલા કે પછી બીજા કોઈ જરુરી કામથી બહાર આવેલા લોકોને પોલીસે જરુરી પુરાવા ચેક કર્યા બાદ જવા દીધા હતા.

કર્ફ્યૂને કારણે અમદાવાદમાં દુકાનો, બજારોથી માંડીને રિક્ષાઓ અને બસો પણ બંધ છે ત્યારે શહેરમાં બહારગામથી આવનારા લોકો રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ઉતરતા હેરાન પરેશાન થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા બંને સ્થળોએથી લોકોને શહેરના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવા બસો તો મૂકાઈ છે, પરંતુ તેની યોગ્ય વ્યવસ્થા ના કરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

રેલવે સ્ટેશન પર આજે સવારની ટ્રેનમાં અમદાવાદ પહોંચેલા કેટલાક લોકોને કલાકથી પણ વધુ સમય સુધી પોતાને જે સ્થળે જવાનું હતું ત્યાં પહોંચવા માટેની બસ શોધવા ભટકવું પડ્યું હતું. કેટલાક કિસ્સામાં તો જે-તે વિસ્તારની બસ ઉપડી જતાં લોકો રઝળી પડ્યા હતા, તો ક્યાંક લોકોને બસમાં બેસાડી રાખ્યા બાદ બીજી બસમાં બેસી જવા માટે કહેવાયું હતું.

શનિ અને રવિવારે શાકમાર્કેટ, મોલ્સ, કરિયાણા સહિતની બધી દુકાનો અને સ્ટોર્સ બંધ રહેવાના છે. જોકે, દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર્સ ખૂલ્લા રહેશે. શુક્રવારે લોકોએ કર્ફ્યૂ પહેલા કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે રીતસરની પડાપડી કરી હતી, જેના કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો બટાકા-ડુંગળી સો રુપિયે કિલોના ભાવે વેચાયા હતા. ઘણી દૂધની દુકાનોમાં સવાર-સવારમાં સ્ટોક ખતમ થઈ ગયો હતો. કર્ફ્યૂ માત્ર બે દિવસનો હોવા છતાંય લોકો લોકડાઉન આવી જશે તેવા ડરે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

(8:53 pm IST)