Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

૨૪ મીથી સૌરાષ્‍ટ્ર તરફ દોડનારી વંદે ભારત ટ્રેનનું સાબરમતી-વિરમગામ વચ્‍ચે સફળ ટ્રાયલ રન

૧૧૦ થી ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવાઇ : તમામ સુવિધાઓનું થયું ઇન્‍સ્‍પેકશનઃ જામનગરથી સવારે પ.૩૦ વાગ્‍યે ઉપડી અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશને ૧૦.રપ વાગ્‍યે પહોંચવાની સંભાવના

રાજકોટ, તા., રરઃ ગુજરાતની ત્રીજી અને સૌરાષ્‍ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને ૨૪મી સપ્‍ટેમ્‍બરના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા વર્ચ્‍યુઅલ લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્‍ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્‍ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્‍યું હતું. ટ્રેનને ૧૧૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. સૌરાષ્‍ટ્ર તરફના રેલવે ટ્રેક ઉપર ૧૦૦ ઉપરની સ્‍પીડથી ટ્રેનને દોડાવીને સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે તકલીફ જોવા મળી નહોતી.

 

ટ્રેનના કોચમાં તમામ

 

પ્રકારની તપાસ કરાઈ

સૌરાષ્‍ટ્રની સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન જામનગર અને અમદાવાદ વચ્‍ચે ૨૪મી સપ્‍ટેમ્‍બરે લોકાર્પણ બાદ દોડશે. સાબરમતી રેલવે સ્‍ટેશનથી વિરમગામ અને વિરમગામથી પરત સાબરમતી સુધી ટ્રાયલ રન લેવામાં આવ્‍યો હતો. જેમાં સૌથી વધારે ટ્રેનની સ્‍પીડ ઉપર ધ્‍યાન આપવામાં આવ્‍યું હતું. ૧૧૦થી ૧૨૦ની સ્‍પીડ ઉપર ટ્રેન ચલાવી હતી. જેમાં કયાંય પણ કોઈ ખામી જોવા મળી નહોતી. ટ્રેનના કોચમાં એસી, ડોર, એક્‍ઝિકયુટિવ ચેરકાર, સીસીટીવી, વાઈફાઈ વગેરેની તપાસ કરવામાં આવી હતી.

કયારે ઊપડશે અને કયા સ્‍ટેશન પર સ્‍ટોપ કરશે

વંદે ભારત ટ્રેન જામનગરથી ઊપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ રેલવે સ્‍ટેશને પહોંચશે. જામનગરથી અમદાવાદ માત્ર ૫ કલાકમાં ટ્રેન પહોંચાડી દેશે. સંભવિત ટાઈમટેબલ મુજબ વંદે ભારત ટ્રેન જામનગરથી સવારે ૫:૩૦ વાગ્‍યે ઊપડશે અને સાબરમતી ૧૦.૧૦ અને અમદાવાદ રેલવે સ્‍ટેશન ૧૦.૨૫ની આસપાસ પહોંચશે. અમદાવાદ રેલવે સ્‍ટેશનથી સાંજે છ વાગ્‍યે ટ્રેન ઉપડશે જે રાત્રે જામનગર ૧૦.૩૦ વાગ્‍યે પહોંચશે. જામનગર-અમદાવાદ વચ્‍ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું ભાડું આવતીકાલ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

રૂટમાં આવતાં દરેક સ્‍ટેશન

પર સ્‍વાગત કરાશે

૨૪મી સપ્‍ટેમ્‍બરના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા વર્ચ્‍યુઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવનાર છે, ત્‍યારે જામનગરથી લઈ અમદાવાદ સુધીના વિવિધ રેલવે સ્‍ટેશનો ઉપર કાર્યક્રમ યોજવામાં આવશે. વડાપ્રધાન દ્વારા બપોરે ૧૨.૩૦ વાગ્‍યે લીલી ઝંડી આપ્‍યા બાદ ટ્રેન જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે. ત્‍યારે રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ રેલવે સ્‍ટેશન પર ભાજપના ધારાસભ્‍યો અને કોર્પોરેટરો દ્વારા ટ્રેનનું સ્‍વાગત કરવામાં આવશે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા પણ સાબરમતી અથવા અમદાવાદ રેલવે સ્‍ટેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 

 

 

(5:19 pm IST)