Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

પિત્‍ઝા ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્‍સોઃ અમદાવાદમાં લા પિનોઝ રેસ્‍ટોરન્‍ટના પિત્‍ઝાના બોક્‍સમાંથી નીકળ્‍યા જીવડા

ઓર્ડર કરનાર યુવકે ફરિયાદ કરતા તંત્ર દ્વારા રેસ્‍ટોરન્‍ટને સીલ મરાયુ

અમદાવાદ: એક વીડિયો ગઈકાલથી લોકોના મોબાઈલમાં ફરી રહ્યો છે. આ વીડિયો જોઈને રીતસરની ચીતરી ચઢે તેમ છે. પિત્ઝાના બોક્સ પર પંદરેક જીવડા ફરી રહ્યાં છે. આ જોઈને તમે પિત્ઝા ખાવાનું માંડી વળશો. ફેમસ પિત્ઝા બ્રાન્ડ La Pinoz ના પિત્ઝાના બોક્સમાં જીવડા ફરતા દેખાયા છે. આ ઘટના અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ગુજરાત કોલેજ પાછળના લા પિનોઝ પિત્ઝા રેસ્ટોરન્ટની છે. હાલ આ પિત્ઝા સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે.

થોડા સમય પહેલા અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલ લા પિનોઝ રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના બની હતી. આ ઘટના તાજી છે, ત્યાં ગુજરાત કોલેજ પાસે આવેલ લા પિનોઝ પિત્ઝામાં યુવકોએ ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડા નીકળ્યા છે. આ રેસ્ટોરન્ટમાં કેટલાક યુવકોનું ગ્રૂપ પિત્ઝા ખાવા ગયુ હતું, તેઓએ પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. પિત્ઝા આવતા જ તેઓએ બોક્સ ખોલ્યું, તો અંદરથી ધડાધડ પંદર-વીસ નાના નાના જીવડા બહાર નીકળ્યા હતા.

આ બાદ યુવકોએ સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી રેસ્ટોરન્ટના સ્ટાફે માફી માંગી હતી. પરંતું આ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક લા પિનોઝ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાધ ધરાયુ હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે લા પિનોઝ પિત્ઝા સેન્ટર પહોંચી હતી. જેના બાદ આ પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે.

રેસ્ટોરન્ટના સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી, પરંતુ આ મામલે યુવકોએ પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી, જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને કારણે નાગરિકો સુધી આ ઘટના પહોંચી છે.

(5:15 pm IST)