Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વરસાદથી ૯ હજાર કિ.મી.ના રસ્તા ખરાબ થઇ ગયેલ, તે પૈકી ૬પ૦૦ કિ.મી.ની મરામત પૂર્ણ

ડામર પેચનું બાકીનું કામ તા. ૩૦ સુધીમાં પૂરૃં કરી દેવાશે

રાજકોટ તા. રરઃ રાજયમાં ચોમાસાના કારણે ખરાબ થઇ ગયેલા રસ્તાઓની મરામત માટે ડામર પ્લાન્ટ અને મશીનો ધમધમી રહ્યા છે. દિવાળી પહેલા તમામ રસ્તા ટનાટન કરી દેવાની સરકારની નેમ છે, જો હવે વરસાદ આવે તો મરામતની કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે.

માર્ગ મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રાજય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ગ્રામીણ ક્ષેત્રના મળી કુલ ૧ લાખ કિ.મી. જેટલા રસ્તા છે. આ તમામ રસ્તા ડામરના છે રસ્તા બન્યા પછીના પ્રથમ ૩ વર્ષ ગેરંટી પીરીયડ ગણાય છે. તે સમય દરમિયાન રસ્તામાં ખાડા કે અન્ય કોઇ નુકશાન થાય તો રસ્તા બનાવનાર એજન્સીએ પોતાના ખર્ચે સરખા કરી દેવાના હોય છે. આ વર્ષે વરસાદના કારણે રાજયમાં ગેરંટી પીરીયડવાળા ૩ હજાર કિ.મી.ના રસ્તા ખરાબ થઇ ગયેલ તે પૈકી ૧પ૦૦ કિ.મી.ની મરામત જે તે એજન્સીના ખર્ચે પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીનું કામ ચાલુ છે. દર વર્ષે આશરે ૩૦ હજાર કિ.મી.ના રસ્તા ગેરંટી પીરીયડમાં આવે છે. સમયાંતરે રસ્તાઓ નવેસરથી બનતા રહે છે.

આ વર્ષે ગેરંટીના સમય સિવાઇનાં ૭૦ હજાર કિ.મી. રસ્તાઓ પૈકી ૬ હજાર કિ.મી.ના રસ્તા ખરાબ થયા છે. તે પૈકી પ હજાર કિ.મી.ના રસ્તા પર મરામત થઇ ગઇ છે. તમામ માર્ગો પર ડામર પેચ વર્ક તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં થઇ જશે. જયાં રસ્તાને વધુ નુકશાન હોય ત્યાં નોરતા સુધીમાં ડામરના નાના-મોટા પટ્ટા લગાવી વ્યવસ્થિત કરવામાં આવશે. માર્ગોની સુધારણા ઝડપભેર શરૂ થતા વાહન ચાલકો અને મુસાફરો રાહત અનુભવી રહ્યા છે.

(4:14 pm IST)