Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મેગા વેક્સિનેશન કેમ્પના આયોજનમાં જ હોબાળો :AMCએ ભૂલથી 18થી 59 વર્ષના લોકોને પણ પ્રિકોશન ડોઝ માટે મેસેજ કર્યા

18થી 59 વર્ષના લોકોને મેસેજ કરાયાની જાણ થતાં ખાનગી સેન્ટર પર વેક્સિન લેવાનો બીજો મેસેજ કરવો પડ્યો: માત્ર ફ્રન્ટલાઈન, હેલ્થ વર્કસ અને 60 વર્ષથી વધુના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રીમાં અપાય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોર્પોરેશન દ્વારા પ્રિકોશન ડોઝ માટે વેક્સિન આપવામાં આવી રહી છે. તમામ ફ્રન્ટલાઈન, હેલ્થ વર્કસ તેમજ 60 વર્ષથી ઉપરના લોકોને પ્રિકોશન ડોઝ ઉપરાંત 13થી 18 વર્ષના બાળકોને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન અને મેસેજ કરી તેઓને પ્રિકોશન બાકી છે તેઓને વેક્સિન લેવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો તેમાં 18થી 59 વર્ષના લોકોને ખાનગી વેક્સિનનો પણ મેસેજ મળ્યો હતો જેના કારણે અવ્યવસ્થા ઉભી થઇ હતી.

ખાડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન લેવા આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમને મેસેજ મળ્યો હતો. અને હું એક્શન લેવા ત્યાં પહોંચ્યો ત્યારે અમને એવું કહ્યું હતું કે આ મેસેજ આવ્યો છે પરંતુ તમે 11 વાગ્યા પછી તપાસ કરો ત્યારબાદ પણ અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો. જો ખોટો એક મેસેજ હોય તો પાછળથી મેસેજ કરી અને જ્યારે બીજી તારીખ આપવામાં આવે ત્યારે વ્યક્તિ લેવા આવું તેવી જાણ કરવી જોઈએ પરંતુ તેની જાણ કરવામાં આવી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીના મુજબ આ બાબતે અમને જાણ થતાં 11:30 બાદ મેસેજ કરવામાં આવ્યો હતો. જોકે આ મેસેજ ગયા બાદ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જે ગેર સમજ ઊભી થઈ હતી તે દૂર થઈ હતી.

આજે મેગા વેક્સિનેશન ને ધ્યાનમાં રાખી જે લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી છે તે તમામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેસેજ કરી અને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવા માટે જણાવવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા મેસેજ તમામ લોકોને એટલે કે 18થી 59 વર્ષના લોકોને પણ મળ્યા હતા. જો કે નિયમ મુજબ હવે 18થી 59 વર્ષના લોકોને ખાનગી હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટર પરથી પૈસા ચૂકવી અને વેક્સિન લેવાની હોય છે. પરંતુ આજે અર્બન હેલ્થ સેન્ટર ઉપર મેગા વેક્સિનેશન ડ્રાઈવના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવાનો મેસેજ મળતા લોકો ત્યાં પહોંચ્યા હતા. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના 18થી 59 વર્ષના લોકોને પણ ભૂલથી થયેલા મેસેજના કારણે સેન્ટર પર વેક્સિન લેવા આવેલા લોકો અને આરોગ્ય વિભાગના કર્મીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું.

અમદાવાદમાં બપોરે બે વાગ્યા સુધીમાં અંદાજે 30 હજાર લોકોએ વ્યક્તિના ડોઝ લીધા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. અમદાવાદ શહેરમાં અંદાજે પાંચ લાખ જેટલા લોકોને વ્યક્તિનો ડોઝ લેવાનો બાકી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આજે પ્રિકોશન ડોઝ માટે મેગા વેક્સિનેશન કેમ્પનું તમામ અર્બન હેલ્થ સેન્ટર પર સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે લોકોને ફોન અને મેસેજ કરીને પણ વેક્સિન લેવા માટે જણાવવામાં આવ્યું છે. જેથી સવારથી અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવા માટે લોકો પહોંચ્યા હતા.

(5:11 pm IST)