Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજ્યની મોટાભાગની સ્કૂલોને ફાયર વિભાગનું સર્ટિફીકેટ લેવામાંથી મુક્તિ મળશે. !!

9 મીટર કરતા વધુ ઉંચી બિલ્ડીંગ અને 500 ચોરસ વારથી વધુ બાંધકામ હોય તેમને જ ફાયર વિભાગનું સર્ટિફીકેટ લેવાનું રહેશે: જાણો કઈ અને કેવી સ્કૂલોને લેવું પડશે ફાયર સર્ટિફિકેટ

અમદાવાદ : રાજ્યની મોટાભાગની સ્કૂલોને ફાયર વિભાગનું સર્ટિફીકેટ લેવામાંથી મુક્તિ મળશે. સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડી 9 મીટર કરતા વધુ ઉંચી બિલ્ડીંગ અને 500 ચોરસ વારથી વધુ બાંધકામ હોય તેમને જ ફાયર વિભાગનું સર્ટિફીકેટ લેવાનું રહેશે. જ્યારે રાજ્યની મોટાભાગની સ્કૂલો 9 મીટર કે તેના કરતા ઓછી ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગમાં દરેક ફ્લોર પર 2 અગ્નિશામક યંત્ર અને પાંચ-પાંચ ડોલ રેતીથી ભરેલી મુકવાની રહેશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકારે બહાર પાડેલા ગેઝેટ અંગે તમામ શાળા સંચાલકોને પત્ર લખી સુચના આપી છે અને તેનો અમલ કરવા માટે પણ જણાવ્યું છે.

ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજયની તમામ શાળા સંચાલકોને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જે બિલ્ડીંગ 9 મીટર કરતા વધુ ઉંચી છે ત્યા ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મેળવવાનું ફરજિયાત છે. સામાન્ય રીતે 3 મીટર એટલે 1 માળ ગણાય, તે જોતા 9 મીટર એટલે ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ અને બીજો માળ જે બિલ્ડીંગમાં હોય ત્યાં અને 500 ચોરસ વાર બાંધકામ હોય ત્યાં દરેક ફ્લોર પર 2 અગ્નિશામક યંત્ર અને પાંચ-પાંચ ડોલ રેતીથી ભરેલી મુકવાની રહેશે. આમ, 9 મીટર કે તેના કરતા ઓછી ઉંચાઈ ધરાવતી સ્કૂલોએ ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર લેવાનું રહેતું નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપવી જોઈએ, જેથી વિપદાના સમયમાં તેઓ ગંભીરતાથી કામ કરી શાળાના બાળકોને મદદરૂપ બની શકે. શાળાના બાળકોને બે ભાગમાં વહેંચી નાંખવા જાઈએ, જેમાં પ્રથમ ભાગમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓ અને બીજા ભાગમાં ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહે. ધોરણ-9થી 12ના સિનિયર વિદ્યાર્થીઓને સંકટ સમયે કેવી રીતે વર્તવુ તેની સઘન તાલીમ આપવી જોઈએ અને વર્ષમાં 2 વખત મોક ડ્રીલ રાખીને વિદ્યાર્થીઓને દુર્ઘટના સામે જાગૃતતા રહેતા શીખવાડવું જોઈએ.

શાળાની નજીક આવેલા પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, ગ્રામ પંચાયત બિલ્ડીંગ વગેરેના ટેલીફોન નંબરના બેનર બનાવીને શાળા બિલ્ડીંગમાં ઠેરઠેર લગાવવા જોઈએ. જેથી અસામાન્ય સંજોગોમાં ટેલિફોનીક સંપર્ક થઈ શકે અને મદદ મળી શકે. શાળાના મકાનમાં રસોડું, કેન્ટીન અને અન્ય જ્વલનશીલ વસ્તુ હોય તેને શાળાના મુખ્ય મકાનથી દુર કરવા જોઈએ. જે શાળાઓના બિલ્ડીંગ 9 મીટરથી વધુ ઉંચાઈના છે અને 500 ચોરસ વારથી વધુનું બાંધકામ છે ત્યાં ફાયર સર્ટિફીકેટ મેળવવું ફરજિયાત છે. જેથી મોટાભાગે શહેરમાં આવેલી હાઈરાઈઝ સ્કૂલો જે 2 કરતા વધુ માળ ધરાવતી હોય છે અને તેમનું બાંધકામ પણ 500 ચોરસ વાર કરતા વધુ હોય છે તેમને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

રાજ્યની મોટાભાગની ગ્રાન્ટેડ – ખાનગી શાળાઓ ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળના બાંધકામ વાળી જ છે. જેથી તેમને ફાયર સર્ટિફીકેટ મેળવવાની જરૂર નથી તેમ તેમણે જણાવ્યું હતું. સરકારના ગેઝેટમાં તે મુદ્દાનો સમાવેશ કરાયો હોવાથી તમામ સંચાલકોને સ્કૂલમાં ગેઝેટની કોપી રાખવા માટે પણ ભાસ્કર પટેલે સુચન પણ કર્યું હોવાનું જાણવા મળે છે

(11:05 pm IST)