Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૧લી એપ્રિલથી બીયર - દારૂના ભાવમાં રૂ. ૫૬ થી ૮૭૪ સુધી વધારો

ગુજરાત સરકારે બજેટમાં તોતીંગ એકસાઈઝ અને ફીની જાહેરાત કરતા દારૂના પરમીટ હોલ્ડરોએ વધુ ભાવો આપવા પડશે

નવી દિલ્હી, તા. ૨૨ ­:. મંગળવારે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નિતીન પટેલે રજુ કરેલા બજેટમાં દારૂ ઉપર એકસાઈઝ અને ફી વધારાની કરેલી જાહેરાતને જો મંજુરી મળશે તો પછી ગુજરાતમાં હેલ્થ લીકર પરમીટ હોલ્ડરો માટે દારૂ ખરીદવાનું અત્યંત મોંઘુ થઈ જશે. ગુજરાતમાં પ્રોહીબીશન અને એકસાઈઝ વિભાગ દ્વારા પુરા પાડવામા આવતા દારૂ ઉપર વધારવામા આવેલી ફી અને એકસાઈઝની કાચી ગણતરી કરીએ તો દારૂના વિવિધ પ્રકાર ઉપર ભાવ વધારો રૂ. ૫૬ થી રૂ. ૮૭૪ સુધીનો થવા જાય છે.

ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યુ છે કે, મેડીકલના કારણોસર હેલ્થ પરમીટ હોલ્ડરો દારૂ લેતા હોય છે. ભાવ વધારો થવા છતા તેઓ નવા ભાવે પણ દારૂની ખરીદી કરશે. જો કે સરકારે આટલા મોટા પ્રમાણમાં બોજો નાખવાની જરૂર નહોતી.

સ્ટ્રોંગ બીયરનો ભાવ ૬૨ ટકા જેટલો વધશે જ્યારે વાઈન અને વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલનો ભાવ રૂ. ૬૫૦ અને રૂ. ૯૦૦ની વચ્ચે થઈ જશે.

અમદાવાદના એક હોટલ માલિકના જણાવ્યા પ્રમાણે વાઈન અને દારૂ ઉપરની એકસાઈઝ ડયુટી રૂ.૧૦૦થી વધારીને રૂ. ૩૦૦ કરી દેવામાં આવી છે. જ્યારે સ્પીરીટ ઉપરની સ્પેશ્યલ ફી રૂ. ૯૦ વધારવામાં આવી છે. જેને કારણે દારૂના શોખીનોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.

ગુજરાતમાં ૩૭૭૬૬ લીકર પરમીટ હોલ્ડરો છે. જેમાં સુરતમાં ૧૦૪૩૧, અમદાવાદમાં ૯૮૮૨, રાજકોટમાં ૪૩૦૦ અને વડોદરામાં ૨૭૩૧ પરમીટ હોલ્ડરો છે.

(9:46 am IST)