Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ ૨૩મી એપ્રિલે લેવાશે

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ ટૂંકમાં જાહેર : જિલ્લા કક્ષાના કેન્દ્રો પર પરીક્ષા યોજાશે : ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના અભ્યાસક્રમ પર આધારિત ગુજકેટ હશે

અમદાવાદ,તા.૨૧ : ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા આગામી તા.૨૩મી એપ્રિલના રોજ યોજાશે. આ વર્ષે એડમીશન માટે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એબીના વિદ્યાર્થીઓ માટેની આ ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ સત્તાવાળાઓ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કેન્દ્રો પર સવારે ૧૦થી સાંજે ચાર વાગ્યા દરમ્યાન ગુજકેટની આ પરીક્ષા યોજાશે.

   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી ફાર્મસીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના અભ્યાસક્રમ આધારિત ગુજકેટની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત વિષયના બહુવૈકલ્પિક પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે. તો, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુકત રહેશે. જેમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના ૪૦-૪૦ પ્રશ્નો અને તે માટે ૮૦ ગુણ રહેશે. આ પ્રશ્નપત્ર માટે ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. ઓએણઆરશીટ પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે. જયારે જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ-અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સરશીટ પણ અલગ અલગ આપવામાં આવશે. એટલે કે, જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્ન અને ૪૦ ગુણ રહેશે, જયારે તે માટે ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. આ બંને વિષય માટે ઓએમઆર આન્સરશીટ પણ ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.        ગુજકેટની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષાના પ્રશ્નપત્રો આપવામાં આવશે. આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે. ગુજકેટની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ગુજકેટને લઇને તૈયારી કરાઇ છે. 

(8:20 pm IST)