Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જલાલપોરના કડોલીમાં એક રાતમાં તસ્કરોએ 6 મકાનના તાળા તોડી લાખોની મતાનો હાથફેરો કર્યો

જલાલપોરના કડોલી ગામે આર્શિવાદ સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રે છ જેટલા બંધ મકાનોને નિશાન બનાવી બે બાઈક, એક લેપટોપ, ચાંદીના દાગીના તથા રોકડ મત્તા મળી કુલ રૃા. ૧.૫૫ લાખથી વધુની મત્તાનો હાથફેરો કરી જતાં ચકચાર મચી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જલાલપોરના મરોલી નજીક કડોલી ગામે આર્શિવાદ સોસાયટીમાં રહેતા જયાબેન જયેશભાઈ પટેલના બંધ ઘરનું તાળું તોડી તસ્કરોએ કબાટમાં મુકેલ ચાંદીની જુની ચેઈન તથા એક લેપટોપ અને પલ્સર બાઈક (નં.-જીજે-૨૧-બીએફ-૫૭૧૨) મળી કુલ રૃા. ૮૬ હજારની ચોરી કરી હતી. ત્યારબાદ આજ સોસાયટીમાં રહેતા નેહાબેન સોલંકી અલ્હાબાદ બેંકમાં નોકરી કરે છે. જેઓ પરીક્ષા હોવાથી બેંગ્લોર ગયા હોય તેમનાં ઘરમાંથી એક લેપટોપની ચોરી કરી હતી. ત્યારબાદ રતિલાલભાઈ પટેલ ઉકાઈ નોકરી કરતા હોય તેમના બંધ ઘરમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. પરંતુ કેટલી ચીજવસ્તુ ગઈ તે જાણી શકાયું ન હતું. આજ સોસાયટીમાં રહેતા નિલેશભાઈના ઘરનો દરવાજાનું તાળું નકુચો તોડી લેપટોપ તથા રોકડ મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત બાબુભાઈ નરસિંહભાઈ પટેલ દિપલા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હોય તેમના બંધ મકાનમાંથી તસ્કરોએ ચાંદીનો કંદોરો, કિંમત રૃ. ૭ હજારનો તથા રોકડા રૃા. ૮ હજાર મળી કુલ રૃા. ૧૫ હજારની મત્તાની ચોરી કરી હતી. તેવી જ રીતે નમ્રતાબેન સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા હોય તેમનાં ઘરમાંથી લેપટોપ અને મોબાઈલની ચોરી કરી હતી. તેમજ મનિષસિંગ યાદવની એક બાઈક (નં.-એચઆર-૮૨-૧૦૭૨) કિંમત રૃા. ૨૫ હજારની ઘર આંગણામાંથી તસ્કરો ઉઠાંતરી કરી ગયા હતા. આમ કંડોલી ગામે એક જ રાત્રે છ-છ જેટલાં બંધ મકાનોને તસ્કર ટોળકીએ નિશાન બનાવ્યા હતા. બનાવ અંગે જયાબેન પટેલ જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એ.એમ.વાળા તપાસ કરી રહ્યાં છે.
 

(5:11 pm IST)