Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કન્યાના કટાર સાથે લગ્ન થયા હોય તો તે બીજા લગ્ન માન્ય ગણાય?

ગુજરાત હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદોઃ રાજકોટ જિલ્લાનો હતો કેસ

અમદાવાદ તા. ૨૧ : જો વરરાજાની ગેરહાજરીમાં કન્યાના કટાર સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો તેને કાયદાકીય ગણીને કન્યાને બીજા લગ્ન કરતા અટકાવી શકાય? આ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભરણપોષણના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આવી  સ્ત્રીના બીજા લગ્ન અમાન્ય ન ગણી શકાય કારણ કે તેના પ્રથમ લગ્ન પતિની ખાંડુ એટલે કે કટાર સાથે થયા હતા. વિશેષમાં  સ્ત્રી તેના પ્રથમ સાસરે કયારેય ગઈ જ નથી આથી પતિ-પત્નીના સંબંધોનો સવાલ જ ઊભો નથી થતો.

કોર્ટે આ કેસમાં બીજા પતિને પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. બીજા પતિએ  સ્ત્રીને પાંચ વર્ષના લગ્નજીવન પછી તરછોડી દીધી હતી. આ યુગલને બે બાળકો પણ છે. હાઈકોર્ટે જણાવ્યું કે પુરુષ તેની જવાબદારીમાંથી છટકી ન શકે અને કોઈપણ પુરાવા વિના પત્ની પર આડાઅવળા આરોપ ન લગાવી શકે.આ યુગલ રાજકોટ જિલ્લાનું હતું.  સ્ત્રી રાજપૂત કોમની છે. તેના પહેલા લગ્ન પુરૂષ દૂર હતો ત્યારે કટાર સાથે થયા હતા. પાછળથી તે બીજા પુરૂષના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે ભાગી ગઈ હતી. લગ્ન પછી તે રાજકોટમાં સાથે રહેતા હતા. પાંચ વર્ષના સહજીવનમાં તેમને બે પુત્રનો જન્મ થયો હતો. છૂટા પડ્યા બાદ  સ્ત્રીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી હતી અને કોર્ટે તેના પતિને મહિને રૂ. ૩૦૦૦ ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશને અમાન્ય રાખીને તેનો પતિ હાઈકોર્ટમાં ગયો હતો. પતિએ દલીલ કરી કે તેની પત્નીના અગાઉ લગ્ન થઈ ચૂકયા છે અને તેણે તેનાથી આ વાત છૂપાવી હતી. વળી,  સ્ત્રીએ પ્રથમ પતિ પાસેથી છૂટાછેડા પણ નહતા લીધા. પતિએ દલીલ કરી કે તેમના લગ્ન ગેરકાયદેસર ગણાવા જોઈએ.  સ્ત્રીએ સ્વીકાર્યું કે તેના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે માત્ર કટાર સાથે થયા હતા.

ન્યાયાધીશ એસ.જી શાહે કોઈપણ પુરાવા વિના હાઈકોર્ટના દરવાજા ખખડાવા બદલ પુરુષની ઝાટકણી કાઢી હતી. કોર્ટે રજિસ્ટ્રીને પણ પતિને પીટિશન ફાઈલ કરવા દેવા બદલ ઠપકારી હતી. કોર્ટે જણાવ્યું કે ૩૦૦૦ રૂપિયા આજના જમાનામાં કોઈ મોટી રકમ નથી.

(11:18 am IST)