Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલઃ પાસપોર્ટ વેરીફિકેશન માટે આવતા અરજદાર પાસેથી રૂપિયા ખંખેર્યા

સુરત: સુરત પોલીસની આબરુના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પાસપોર્ટ વેરિફીકેશન માટે અરજદાર પાસેથી રૂપિયા લઈ રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. LIB ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા વેરિફિકેશન માટે રૂપિયા લેવામાં આવી રહ્યા છે. સુરત પોલીસની ઈમેજ પર ધબ્બા સમાન આ ઘટના છે.

જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણા પોલીસ સ્ટેશનનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, આ પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટના વેરિફિકેશન માટે આવતા લોકો પાસેથી રૂપિયા માંગવામાં આવે છે. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેમાં જોઈ શખાય છે કે, અરજદારો પાસેથી કેવી રીતે 500 થી લઈને 3000 રૂપિયાની માંગણી વેરિફિકેશન માટે કરવામાં આવે છે.

પાસપોર્ટ વેરિફિકેશ માટે પોલીસ લઈ રહી છે રૂપિયા

પાસપોર્ટ વેરિફિકેશન માટે નાગરિકો ત્યારે જ આવે છે, જ્યારે તેમને વિદેશમાં મુસાફરી કરવાની હોય. ત્યારે પોલીસમાં વેરિફિકેશન માટે આવતા લોકોને આ કામ રૂપિયા આપીને કરાવવું પડે છે. સરથાણા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી એક અરજદાર પાસેથી આ કામ માટે રૂપિયા લેતો કેમેરામાં કેદ થયો છે. હાલ આ વીડિયો વાયરલ થયો છે. ત્યારે જોવુ એ રહ્યું કે, સુરત પોલીસ આ મામલે શું એક્શન લેશે. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, પોલીસ કર્મીઓના કપડા પર કેમેરા લગાવાશે, જેથી વહીવટ પારદર્શી થાય. ત્યારે જાગૃત નાગરિકો જ વીડિયો દ્વારા પુરાવો આવી રહ્યાં છે ત્યારે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શું એક્શન લેવાય છે તે જોવું રહ્યું.

(4:31 pm IST)