Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મરચામાં સિન્થેટીક કલરની ભેળસેળ કરવા બદલ સજા

આરોપીઓને સજા કરવી ન્યાયોચિત લેખાશે : કોર્ટ : અમ્યુકોની મેટ્રો.કોર્ટે બંને વેપારીઓને છ-છ મહિનાની સખત કેદની સજા અને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો

અમદાવાદ,તા. ૨૨ : ખાવાના લાલ મરચામાં પ્રતિબંધિત સીન્થેટિક કલરનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેટ્રોપોલીટન મેજિસ્ટ્રટ કોર્ટના ન્યાયાધીશી એસ.એમ. કાનાબારે બે વેપારીઓને છ- છ મહિનાની સખત કેદની સજા અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે આરોપી વેપારીઓને સબક સમાન સજા ફટકારતાં જણાવ્યું હતું કે, જાહેર આરોગ્ય અને સુખાકારી માટે જ સરકારે ફુડ સેફ્ટીના કાયદાઓ અમલી બનાવ્યા છે, તેનો મૂળ ઉદ્દેશ જ લોકોને શુધ્ધ, સુરક્ષિત અને તંદુરસ્ત પોષક આહાર ઉપલબ્ધ બનાવવાનો છે. ખુદ સુપ્રીમકોર્ટે તેના ચુકાદાઓમાં જીવન જીવવાના અધિકારમાં આ વિષયને બહુ ગંભીરતાથી લઇ આ અંગે મહત્વના નિર્દેશો જારી કર્યા છે ત્યારે સમાજના વ્યાપક હિતમાં આરોપીઓને આવા ગંભીર ગુનામાં સજા કરવી ન્યાયોચિત લેખાશે. ચકચારભર્યા આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આરોપી વેપારીઓને સખત સજા ફટકારવાની દલીલો કરતાં એડવોકેટ મનોજ ખંધારે જણાવ્યું હતું કે, અમ્યુકોના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન ગત તા.૧૨-૯-૨૦૧૬ના રોજ શહેરના નવા નરોડા વિસ્તારમાં પ્રેરણા શોપીંગ સેન્ટર ખાતે જય ગણેશ ટ્રેડર્સ ખાતેથી આરોપી વિષ્ણુ અંબાલાલભાઇ પટેલના ત્યાંથી લાલ મરચામાં નોન પરમીટેડ સીન્થેટીક કલર મળી આવ્યો હતો. આ જ પ્રકારે તા.૩-૧૦-૨૦૧૬ના રોજ રાજકોટના જાળીયા ગામે પ્લોટ વિસ્તારનો વતની ચંદુભાઇ નાગજીભાઇ સોંલકી છકડો લઇ નોન પરમીટેડ સીન્થેટીક કલરના ભેળસેળવાળુ મરચું વેચાણ કરવા શહેરના બાપુનગર વિસ્તારમાં બાપા સીતારામ ચોક ખાતે આવતાં તેને ઝડપી લેવાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ બંને આરોપી વેપારીઓ વિરૂધ્ધ ફુડ એડલ્ટ્રેશનના કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. કેસની હકીકતો અને પુરાવા પરથી તેમજ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા જોતાં આવા ગંભીર ગુનાઓને કોર્ટે સહેજપણ હળવાશથી લેવા જોઇએ નહી અને સમાજમાં સબક સમાન સજા આરોપી વેપારીઓને કરવી જોઇએ.

(8:16 pm IST)