Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જૂની અદાવતમાં છત્રાલમાં યુવક પર જીવલેણ હુમલો થતા ચકચાર

છત્રાલ:માં અગાઉના કેસની અદાવતમાં યુવક ઉપર ત્રિકમથી જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. ગંભીર ઘવાયેલા યુવકને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટના બાદ બજરંગ દળના ૨૦૦  માણસોએ પોલીસ મથકનો ઘેરાવ કરી આરોપીની તાત્કાલીક ધરપકડ કરવા માંગણી કરી હતી. જો કે સામાપક્ષે પણ આ ઘટના અંગે ફરીયાદ આપી છે.
છત્રાલમાં જુની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવતા મામલો તંગ બની ગયો હતો. છત્રાલ ગામમાં રહેતો અંકિત લલીત ચંદ્ર નાડીયા શનિવારની સાંજે પોતાનું એક્ટિવા લઇને જઇ રહ્યો હતો તે વખતે અકરમ અનવર હુસેન સૈયદે તેનું એક્ટિવા ઉભુ રખાવી કહ્યું કે અમારી વિરૂદ્ધ કરેલા કેસોમાં કેમ સમાધાન કરતો નથી, કેસ પાછો ખેંચીલે તેમ કહી જાતિ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારી અંકિતના માથામાં ત્રિકમનો ઘા મારતા અંકિત લોહી લુહાણ થઇ ગયો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે કલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘાયલ અંકિતની ફરિયાદને આધારે પોલીસે આરોપી અકરમ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જો કે, આ ઘટના બાદ બજરંગદળ અને વિશ્વ હીન્દુ પરીષદના ૨૦૦ જેટલા કાર્યકરોએ કલોલ તાલુકા પોલીસ મથકનો ઘેરા વકર્યો હતો અને આરોપીની તાત્કાલિક ઘરપકડ કરવા માંગણી પણ કરી હતી. ત્યારે આ ઘટનામાં સામાપક્ષે અકરમે પણ ફરિયાદ આપી છે. જેમાં અંકિતે છરીથી હુમલો કર્યો હોવાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. ગઇકાલે થયેલી આ મારામારી બાદ મામલો વધુ તંગ બની જતા પોલીસની દોડધામ વધી ગઇ હતી. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છત્રાલમાં થોડો સમય અગાઉ પણ હિન્દુ - મુસ્લિમ વચ્ચે કોમી અથડામણ થઇ હતી. આ ઘટના બાદ ઘણા દિવસો સુધી ગામમાં પોલીસ બંદોબસ્ત રહ્યો હતો. ત્યારે પરિસ્થિતી થાળે પડતા બંદોબસ્ત હટાવી લેવાયો હતો. ત્યારે ગઇકાલે ફરીવાર મારામારીની ઘટનાનું પુનરાવર્તન થતા ગામમાં માહોલ તંગ થઇ ગયો છે.

(5:58 pm IST)