Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરતના ચોકબજારમાં એપાર્ટમેન્ટના મીટરપેટીમાં આગ ભભૂકતા અફડાતફડી

સુરત:ચોકબજાર હોડીબંગલા ખાતે એપાર્ટમેન્ટની મીટરપેટીમાં આગ લાગતા એક પછી એક મીટરો બળી જવાથી ભારે ધુમાડો ફેલાયો હતો. જેના કારણે અફડાતફડી મચી હતી. એપાર્ટમેન્ટમાં રહેતા ૨૫૦થી વધુ લોકોને ફાયર જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યા હતા.

ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ચોકબજાર સ્થિત હોડીબંગલા વિસ્તારમાં મક્કા પેલેસ નામના છ માળના એપાર્ટમેન્ટમાં અંદાજીત ૧૭૨ ફલેટધારકો રહે છે. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ગત મોડીરાતે મીટર પેટીમાં ઇલેકટ્રીક શોર્ટ-સર્કીટ થતાં આગ ફાટી નીકળી હતી.

જોતજોતામાં આગે આજુબાજુના મીટરોને ઝપેટમાં લેતાં ધુમાડાના ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાયા હતા. અહીં રહેતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કેટલાક રડવા લાગ્યા હતા. દાદરની નજીકમાં મીટર પેટીમાં આગ હોવાથી ત્યાં રહેતા લોકો નીચે પણ ઉતરી શકતા ન હતા અને તેઓનાં જીવ તાળવે ચોંટયા હતા.

ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂત ફાયર જવાનો અને ૫ ફાયર ફાઇટરની ગાડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનો તથા આજુબાજુના સ્થાનિક લોકોએ  બિલ્ડીંગમાં ફસાયેલા ૨૫૦થી વધુ લોકોને વારાફરતી સલામત રીતે બહાર કાઢ્યા હતા.

ફાયર જવાનોએ આગને  અડધો કલાકમાં કાબુમાં લીધી હતી. તેથી નજીકમાં પાર્ક કરેલા વાહનો બચી ગયા હતા. પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગના લીધે  કોઇ ઇજા કે જાનહાનિ થઇ નહીં હોવાનું ફાયરસૂત્રોએ કહ્યું હતું.

(7:00 pm IST)