Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ખેડામાં આનંદ મેળામાં બે બાળકો વચ્ચે થેયલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

ખેડા:શહેરમાં આનંદ મેળામાં આજે બપોરે બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને જૂથના લોકોના ટોળેટોળા ઉમટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. બંને વચ્ચે થયેલ અથડામણમાં આઠથી વધુ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે. ખેડામાં બે જૂથ વચ્ચેની અથડામણને લઈ પરિસ્થિતિ વણસી હતી. જેને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મળેલ વિગત મુજબ ખેડા એચ એન્ડ ડી પારેખ હાઈસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળો હોઈ શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાંથી લોકો આનંદ પ્રમોદ માટે ઉમટી પડ્યા હતાં. આ દરમ્યાન આજે બપોરે બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાને લઈ ઉગ્ર બોલાચાલી થતા સ્થિતિ વણસી હતી. બાળકોના ઝઘડામાં છેડછાડ થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં હિન્દુ - મુસ્લિમ બંને જૂથના લોકો સામસામે આવી જતા વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જવા પામી હતી. તેમાં વળી આ ઘટના અંગે સોશ્યલ મીડિયા ઉપર જાત-જાતના મસેેજો વાયરલ થતા બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. તેમાં વળી બપોરે બનેલી ઘટનાથી સ્થાનિક પોલીસ વાકેફ હોવા છતાં તુરંત જ પગલાં લેવામાં ન આવતા શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતાં. જેને લીધે આનંદ મેળાના ઝઘડાએ સમગ્ર શહેરને બાનમાં લીધું હતું.
ખેડામાં બસ સ્ટેશન, છીપાવાડ સહિત શહેરમાં અથડામણ પગલે લારી-ગલ્લાં સહિત બજારો બંધ થઈ ગયા હતાં. આ ઘટનામાં બંને જૂથના લોકો સામસામે આવી જતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો પોલીસે તુરંત કાર્યવાહી કરી હોત તો શહેરમાં શાંતિ સ્થાપી શકાતી પરંતુ પોલીસે સ્થિતિ વણસ્યા બાદ કાર્યવાહી કરતા હાલમાં શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ લખાય છે ત્યારે સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ વ્યાપી ગયો છે અને સ્થિતિ થાળે પાડવા અર્ધલશ્કરી દળોને બોલાવવા પડે તેવું જણાઈ રહ્યું છે જો કે આ અંગે હજુ સુધી ખેડા ટાઉન પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

(5:50 pm IST)