Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

નલિયા ઠંડુગાર : પારો ગગડી ૬.૨ ડિગ્રી સુધી નીચે જ રહ્યો

અમદાવાદ સહિત રાજ્યમાં ફરી તીવ્ર ઠંડી : ઉત્તર ગુજરાત-કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઇ શકે : લઘુત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયામાં પારો ગગડીને ૬.૨ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. નલિયા ઠંડુગાર થતાં લોકો ઠંડીથી ઠુઠવાયા હતા. બીજી બાજુ રાજ્ય માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે. આવી સ્થિતિમાં ઠંડીમાં વધારો થવાના પણ સંકેત દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૫, ડિસામાં ૧૧.૬ અને ગાંધીનગરમાં ૧૪ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. બીજી બાજુ નલિયામાં એકાએક લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. ગઇકાલની સરખામણીમાં અહીં પારો બે ડિગ્રીથી પણ વધુ ઘટ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે. અમદાવાદમાં સવારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરે ગરમીનો અનુભવ થયો છે. લઘુત્તમ તાપમાનમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં તાપમાનમાં વધારે કોઇ અસર થાય તેવા સંકેત દેખાઇ રહ્યા નથી. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા નથી.  રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે. કારણ કે લઘુત્તમ તાપમાનમાં હવે પહેલાની સરખામણીમાં વધારો થઇ ચુક્યો છે. હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ........................................ તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ.................................................... ૧૪.૫

ડિસા............................................................. ૧૧.૬

ગાંધીનગર....................................................... ૧૪

વીવીનગર.................................................... ૧૫.૬

વડોદરા........................................................... ૧૫

સુરત............................................................ ૧૮.૪

વલસાડ........................................................ ૧૩.૬

અમરેલી....................................................... ૧૩.૨

ભાવનગર..................................................... ૧૬.૪

પોરબંદર......................................................... ૧૪

રાજકોટ........................................................ ૧૩.૩

સુરેન્દ્રનગર................................................... ૧૪.૫

ભુજ................................................................. ૧૨

નલિયા............................................................ ૬.૨

કંડલા એરપોર્ટ.............................................. ૧૩.૪

મહુવા........................................................... ૧૪.૨

(9:13 am IST)