Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ચાંદલોડિયા બ્રિજ પાસે નશામાં ધૂત કોન્સ્ટેબલની 8થી 10 યુવકોએ કરી ધોલાઈ: પાંચ ઝડપાયા

યુવકો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો:પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો

અમદાવાદ : ચાંદલોડિયા બ્રિજ પાસે મંગળવારે મોડી રાત્રે બ્રહ્માણી પાન પાર્લર પર નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલને 8 થી 10 યુવકોના ટોળાંએ લાકડીઓ વડે મારમારી ગંભીર ઇજાઓ કરી હતી. બનાવને પગલે સોલા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે કોન્સ્ટેબલ પર હુમલો કરનાર યુવકો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ પણ નશામાં ધૂત હોવાનું ધ્યાને આવતા તેની વિરુદ્ધ અલગથી પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતાં અને સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુનિલસિંહ ચૌહાણની નોકરી કન્ટેઇનમેન્ટ ઝોનમાં હતી. મંગળવારે રાત્રીના તેઓ ચા પીવા માટે ચાંદલોડિયા બ્રિજ પાસે ગયા હતા. તે સમયે બે યુવકો જાહેર રોડ પર વાહન ઉભું રાખી એકબીજાની એકદમ નજીક ઉભા રહી અંદરોઅંદર વાતચીત કરતા હતા.

સુનિલસિંહએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોઈ બન્ને યુવકોને સ્થળ પરથી જતા રહેવા જણાવ્યું હતું. આ યુવકો પોલીસ જવાન સુનિલસિંહ જોડે બોલાચાલી કરવા લાગ્યા હતા. તે દરમિયાન ચાંદલોડિયા બ્રિજ તરફથી 8 થી 10 લોકોનું ટોળું હાથમાં લાકડીઓ લઈ આવ્યું હતું. તમામ લોકોએ સુનિલસિંહને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન સ્થાનિક લોકોએ વચ્ચે પડી સુનિલસિંહને બચાવ્યા હતા. ઘટનાને પગલે જાણ થતા સોલા પોલીસની મોબાઈલ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્ત સુનિલસિંહને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.સોલા પોલીસે સુનિલસિંહની ફરિયાદ આધારે હુમલાખોર યુવકોના ટોળાં વિરુદ્ધ ગુનો નોંધ્યો તેમજ કોન્સ્ટેબલ સુનિલસિંહએ દારૂ પીધો હોવાનું ધ્યાને આવતા તેની વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

સોલા પોલીસે હુમલાખોર પાંચ યુવકોને ઝડપી લીધા હતા. જેમાં મયુર રમેશભાઈ રાવળ, સાગર ચુનીલાલ પટેલ, દીપેન મહેન્દ્રભાઈ મારૂ, હાર્દિક હર્ષદ ઠક્કર અને કલ્પેશ ચંદુભાઈ રાવળનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી છે. પોલીસે તમામ યુવોકના કોરોના ટેસ્ટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી નજર હેઠળ રાખ્યા છે. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણની પણ અટકાયત કરવામાં આવી હતી.

(10:04 pm IST)