Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ઈડરના 11 વર્ષના કિશોરની સારવાર માટે સેવાભાવી યુવાનોએ 17 લાખ રુપિયા એકઠા કરી નવજીવન બક્ષ્‍‍યુ

દિયોલી ગામના શ્રમીક પરિવારના પુત્રને GBS નામની બિમારી :સ્થાનિક યુવાનોએ સારવાર માટેના ખર્ચની જવાબદારી ઉપાડી લીધી

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દિયોલી ગામના 11 વર્ષના કિશોરને GBS નામની બિમારી થઈ હતી. જેને લઈને તેની સારવાર માટે 17 લાખ રુપિયાનો ખર્ચ થવાનું હોવાનું જણાતા જ આર્થિક રીતે નબળા પરિવારના માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. જેને લઈ સ્થાનિક યુવાનોએ ફંડ એકઠુ કરીને કિશોરની સારવાર કરાવી હતી. જે રકમથી તેને સારવાર બાદ કિશોર હવે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો હતો. જેને લઈને ગામમાં પણ રક્ષાબંધનના પહેલા ખુશીનો માહોલ છવાયો હતો.

દિયોલી ગામના શ્રમીક પરિવારને પોતાના પુત્ર નિલમણીને GBS નામની બિમારી હોવાનું જણાતા પરિવાર ભાંગી પડ્યો હતો. પુત્રને બચાવવા માટે પરિવારે શક્ય પ્રયાસ શરુ કર્યો હતો. આ માટે પોતાના પુત્રને અમદાવાદની RICN હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવાતા ત્યાં તેનો ખર્ચ 17 લાખ રુપિયા દર્શાવ્યા હતા.

શ્રમિક પરિવાર માટે આ રકમ ખર્ચવી એ કલ્પના બહારની સ્થિતી હતી. આવી સ્થિતીમાં સારવારને રોકી દેવી એ તેમની મજબૂરી બની ચુકી હતી. આવા સમયે સ્થાનિક યુવાનોએ તેને સારવાર માટેના ખર્ચની જવાબદારી ઉપાડી લીધી હતી. સ્થાનિક યુવાન ભૃગવેન્દસિંહ કુંપાવત અને વીરપ્રતાપ ફાઉન્ડેશનના યુવાનોએ રકમને એકઠી કરવા માટે ફંડ એકઠુ કરવાની શરુઆત કરી હતી. આ યુવાનોએ આ અગાઉ પણ આ જ પ્રકારે મદદ કરી ચુક્યા છે. તેમજ કોરોનાની બીજી લહેરમાં પણ મદદરુપ થયા હતા.

બિમાર યુવક નિલમણીને 17 લાખ રુપિયા એકઠા કરી તેની સારવાર કરવામાં આવી હતી. 78 દિવસની સારવાર બાદ કિશોર તેના ઘરે પરત ફર્યો હતો. નિલમણીને 90 ટકા જેટલી રાહત તેની બિમારીમાં થઈ છે. જેને લઈને પરિવારજનોમાં પણ પુત્રને નવુ જીવન મળ્યાનો આનંદ છવાયો હતો. સ્થાનિક ગ્રામજનો અને સારવાર માટે મદદરુપ થનારા યુવકોને પણ બાળકને નવજીવન બક્ષવામાં મદદરુપ થયાનો સંતોષ થયો હતો. આમ માનવતાનું ઉત્તમ ઉદાહરણ ભૃગવેન્દ્ર સિંહ સહિતના યુવાનોએ પુરુ પાડ્યુ હતુ.

(12:31 am IST)