Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પ્રદૂષિત પાણી : તંત્ર નિંભર

વરસાદી કાંસ અને ગટરોના ગંદા પાણીના 64 જેટલા નાળા મારફતે પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે

વડોદરા :  એક તરફ પર્યાવરણવિદો વડોદરા શહેરની ઓળખ સમી વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે દિવસરાત મહેનત કરી રહ્યા છે. બીજી તરફ પાલિકાએ જ નદીમાં ગટરના પાણી ઠાલવીને નદીને વધુ પ્રદૂષિત કરી રહી હોવાનું ચર્ચામાં છે.

અગાઉ જ વડોદરાના પર્યાવરણવિદોએ એન.જી.ટીમાં લડત ચલાવતા વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનો આદેશ કર્યો હતો. 3 મહિનામાં આ કાર્ય પૂર્ણ કરવા પાલિકાને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે પાલિકાએ ફક્ત નદી કિનારે ઝાડી ઝાંખરા સાફ કરી સંતોષ માણ્યો હતો અને તેમાં પણ મગરો માટે મુસીબત ઉભી થઇ હતી. જેને પગલે 4 વિશાળકાય મગરો મોતને ભેટ્યા હતા.

આ નદીના શુદ્ધિકરણના નામે વર્ષોથી વિવિધ પ્રોજેક્ટો બનાવી કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું, પરંતુ નદી શુદ્ધ ન થઈ. વિશ્વામિત્રી નદી પાવાગઢ તળેટીમાંથી ઉતપન્ન થાય ત્યારે તેનું પાણી શુદ્ધ હોય છે. પરંતુ નદી શહેરમાં પ્રવેશતા જ મલિન થવાનું શરૂ થાય છે. વરસાદી કાંસ અને ગટરોના ગંદા પાણીના 64 જેટલા નાળા મારફતે પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. જેના કારણે પાણી ગંદુ થાય છે. એક દિવસમાં એક નાળાથી 1 લાખ લીટર ગંદુ પાણી નદીમાં છોડાય તો 64 લાખ લીટર ગટરનું પાણી નદીમાં પ્રવેશે છે. જે નદીને ગટરગંગા બનાવે છે.

વિપક્ષનું કહેવું છે કે પાલિકા કાગળ પર વિવિધ પ્રોજેકટ બનાવી સરકાર પાસે એવોર્ડ મેળવે છે. એ જ રીતે 'ઓપન ડેફિકેશન ફ્રી'એટલે odf++ સ્ટેટ્સ મેળવી ચૂક્યું છે અને હકીકત શુ છે તે જનતા જાણે છે.

(11:45 pm IST)