Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદાના અધ્યક્ષ તરીકે પ.પૂ.સિધ્ધેશ્વર સ્વામીજીની નિમણૂક કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની ભારતના ૧૩૭ વિવિધ સંપ્રદાયોના સંગઠનની કારોબારીની બેઠક નડિયાદ સંતરામ મંદિરમાં યોજાઇ, બેઠકમાં કેન્દ્રીય પ્રદેશ મંત્રી પ.પૂ. જીતેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પ. પૂ. નૌત્તમપ્રકાશ સ્વામીજી અધ્યક્ષ સ્થાને તેમના આયોજનથી વિવિધ સંપ્રદાયોના મોટા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારી લવજેહાદ, ગૌવંશની રક્ષા તથા ધર્માંતરણની પ્રવૃત્તિ આ બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મંદિરોની મિલકતો, મઠો, ગૌશાળાઓની મિલકતોના જે પ્રશ્નો ચાલતા હોય તેના નિરાકરણ બાબતની સમજણો આપવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહજી જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સમાજના, સંત સમાજ ના જે કોઈ પ્રશ્નો હોય તેનું સુખદ નિરાકરણ લાવવાની અને પૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી. આ બેઠકમાં ખુબ જ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વિવિધ જિલ્લાઓની કમિટી ની રચનાઓ કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ પ. પૂ. નૌત્તમપ્રકાશ સ્વામીજી એ તમામ સંતોને એકતા રાખીને સંત સમાજ અને હિંદુ ધર્મના કાર્યો કરવાની વાત કરી હતી તથા સંપૂર્ણ ભારતમાં ગુજરાત રાજ્યના સંતો રાષ્ટ્રવાદની ભાવનાનો બહોળો પ્રચાર પ્રસાર કરે અને સનાતન હિંદુ ધર્મ માટે ખાસ કાર્ય કરતા રહે એવી અપીલ કરી હતી.
આ કારોબારીની બેઠકમાં નર્મદા જિલ્લાના સંત સમિતિના અધ્યક્ષ તરીકે પ. પૂ. સિધ્ધેશ્વર સ્વામીની નિમણૂક કરવામાં આવી હતી, સ્વામીજીને જે જવાબદારી તેમને સોંપવામાં આવી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેમ તેમણે જણાવ્યું હતું.

(11:29 pm IST)