Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પતિ દ્વારા પત્નીને ૩૦ હજાર ભરણપોષણ ચુકવાનો આદેશ

IBના PSIએ લગ્ન બાદ પત્નીને તરછોડી : હાઈકોર્ટે જણાવ્યું હતું કે,પત્ની કમાતી હોય તો પણ તેને ભરણપોષણની રકમ ચૂકવવી કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત

અમદાવાદ,તા.૨૧ : ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ લગ્ન કર્યા બાદ પત્નીને તરછોડી દીધી હતી. મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવતા હાઈકોર્ટે પતિને મહિને ૩૦૦૦૦ રૂપિયા પત્નીને ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે. કેસની વિગતો એવી છે કે, પતિ આંધ્રપ્રદેશના વિજયવાડામાં સબ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે.

પત્નીને છોડી દીધા બાદ પતિએ ભરણપોષણની રકમ ચૂકવવાના ફેમિલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ જે વોરાએ અરજદાર પતિની ગ્રાહ્ય રાખી હતી અને ભરણપોષણની રકમ ૪૦૦૦૦થી ઘટાડીને ૩૦૦૦૦ કરી હતી. જો કે, ગુજરાત હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, પતિની એવી દલીલ સાથે કોર્ટ સંમત નથી કે પત્ની કમાતી હોવાથી તે પોતાની રીતે જીવનયાપન કરવા સમર્થ હોવાથી ભરણપોષણ આપવાની કોઈ જરૂર નથી. કાયદાનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે, જો પત્ની કમાતી હોય તો પણ ભરણપોષણનો ઈક્નાર કરી શકાય નહીં. મામલે અરજદાર પતિ દુહેલા રાધાક્રિષ્ના રાવે હાઈકોર્ટમાં અરજી કરીને ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશને પડકાર્યો હતો.

અંગે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, પતિએ અગાઉ બે વાર લગ્ન કર્યા છે અને બંને લગ્નોમાં છૂટાછેડા લીધા છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે, પતિએ હકીકત અમદાવાદની મહિલા સાથે લગ્ન કરતા સમય છૂપાવીને તેને અંધારામાં રાખી હતી. તેણે એવી પણ દલીલ કરી છે કે તેની પત્નીને અમદાવાદના એક મોલમાં મળ્યો હતો. પરંતુ કેસમાં સામે આવેલા પુરાવા મુજબ તે બંને મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં બંને લગ્ન પણ કર્યા હતા.

વેજલુપર પાસે મંદિરમાં લગ્ન ખોટી રીતે અને અપૂર્ણ હોવાની પતિની દલીલ પણ મંજૂર રાખી શકાય તેમ નથી. કારણ કે તે ઈન્ટેલિજન્સ બ્યૂરો જેવા ઓર્ગેનાઈઝેશનમાં પોલીસ અધિકારી અને તેમ છતાંય તે એવી બાલીશ રજૂઆત કરે છે કે તેને બળજબરીથી લગ્ન કરાવ્યા. જો કે, લગ્ન થયા હતા તે વાતના પુરાવા માટે ફોટા અને વિડીયો પણ છે.

(8:35 pm IST)