Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વિદેશી નાગરિકોને લોનની લાલચ આપતા બે ઝડપાયા

સાળા-બનેવી બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા : સાયબર ક્રાઇમે મોટેરા વિસ્તારમાંથી ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બે આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદ,તા.૨૧ : અમદાવાદ સાયબર ક્રાઇમે વિદેશી નાગરિકોને લોનની લાલચ આપીને રૂપિયા પડાવતા બે આરોપી ઓને ઝડપી પાડયા છે. જોકે, હવે બોગસ કોલ સેન્ટર ચલાવનાર શખસોએ મોડ્સ ઓપરેન્ડી બદલી નાખી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ફરી એકવાર કોલ સેન્ટર તો ઝડપાયું પણ બે આરોપી સામે આવતા પોલીસ પણ માની રહી છે કે, પોલીસના દરોડા અને લોકોની નજરમાં આવવા માટે આરોપીઓ નવી મોડ્સ ઓપરેન્ડીથી કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં માત્ર બેથી ચાર આરોપીઓ ઘરમાં કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ક્રાઇમે મોટેરા વિસ્તારમાંથી ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

સાળા બનેવીની જોડીએ સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને ચુનો ચોપડ્યો છે. આરોપીઓ લોન આપવાની લાલચ આપીને ઇન્સ્યોરન્સ ફી google પ્લે કાર્ડ, તેમજ જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડની ખરીદી ગિફ્ટ કાર્ડનો નંબર મેળવીને પ્રોસેસર મારફતે રૂપિયા મેળવતા હતા. ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બંને આરોપીઓ મહિનાથી ઘરમાં બેસીને કોલ સેન્ટર ચલાવતા હતા. ઘણા સમયથી તેઓ પ્રવૃત્તિ બંધ કરીને બેઠા હતા પણ ફરી એક વાર નાણાકીય અછત વર્તાતા તેઓએ ફરી કોલ સેન્ટર શરૂ કર્યું પણ વખતે તેઓ પોલીસથી બચી શક્યા. તાજેતરમાં રખિયાલ, સરખેજ અને સાયબર ક્રાઇમે જેટલા પણ કોલ સેન્ટરના કેસ કર્યા તેમાં તમામ કેસોમાં બે કે ચાર લોકો પકડાયા.

જેથી પોલીસ પણ માની રહી છે કે હવે આરોપીઓમાં પોલીસનો ડર બેઠો છે અને લોકોની બાતમી આપી દેવાના ડરથી ભાડે ઓફિસ રાખવાના બદલે પોતાના ઘરમાં કૌભાંડ ચલાવી રહ્યા છે. પોતાની જગ્યાની સાથે સાથે સબંધીઓ કે પોતાના અંગત મિત્રો ને સાથે રાખી શખશો બોગસ કોલ્સ સેન્ટર ચલાવી રહ્યા હોવાનું પોલીસ પણ સ્વીકારે છે. લિસ્ટેડ આરોપીઓના મોટા કોલ સેન્ટર ને ડામવામાં પોલીસ સફળ રહી છે પરંતુ નાના સેન્ટર ચલાવતા લોકોને પણ રોકવામાં હવે પોલીસ કેટલી હદે સફળ થાય થાય છે તે જોવાનું રહેશે.

(7:32 pm IST)