Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજ્યના GIDCના ઊદ્યોગકારોને અંદાજે રૂ.500 કરોડની રાહત-સહાય મળશે: ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા:જી.આઈ.ડી.સીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠકના પગલે જી.આઈ.ડી.સી દ્વારા ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર : ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની વધારાઈ : ઔદ્યોગિક અને રહેણાક વસાહતોના જમીન-મલ્ટી સ્ટોરીડ શેડ્સના ફાળવણીદારો માટેનો નિયત થયેલો ભાવ વધારો મોકૂફ

અમદાવાદ : કોવિડ-19થી ઉદભવેલી પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિને પૂર્વવત પૂન:વેગવંતી કરવા જાહેર કરાયેલા આત્મનિર્ભર પેકેજને કોવિડ-19ની બીજી લહેર પછી પણ પૂન:લાવવાની ઊદ્યોગ મંડળોની રજૂઆતોનો સકારાત્મક સાનૂકૂળ પ્રતિસાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યો છે  ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમય મર્યાદા-મોટેરિયમ પીરિયડ વધુ એક વર્ષ 2023 સુધી વધારી આપવામાં આવી- વણવપરાશી દંડની રકમ લેવાશે નહીં GIDCની ઔદ્યોગિક અને રહેણાક વસાહતોના જમીન-મલ્ટી સ્ટોરીડ શેડ્સના ફાળવણીદારો માટેનો નિયત થયેલ ભાવવધારો નાણાંકીય વર્ષ 2021-22 માટે મોફૂફ રખાયો- ગત વર્ષ 2020-21ના ફાળવણી દર યથાવત રાખ્યા છે જયારે  જે ઊદ્યોગકારો દ્વારા અગાઉની નીતિ અંતર્ગત સમય મર્યાદાનો લાભ મેળવી શકેલ નથી તથા જેઓએ માર્ચ ૨૦૨૨ સુધી લાભ મેળવેલ છે તેવા ઊદ્યોગકારોને માર્ચ ૨૦૨૩ સુધી વપરાશની સમય મર્યાદા વધારી આપવામાં આવી છે  

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા છે
આ અગાઉ કોરોનાની પ્રથમ લહેર પછી રાજ્યના ઊદ્યોગ-વેપાર જગતને પૂન: વેગવંતા બનાવી આર્થિક પરિસ્થિતિને બળ આપવા મુખ્યમંત્રીશ્રીએ રૂ. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજ અન્વયે GIDC દ્વારા 14 યોજનાઓ હેઠળ 31,166 ઊદ્યોગકારોને 407.72 કરોડના લાભ મળ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ઊદ્યોગ સંગઠનો, ગુજરાત વેપારી મહામંડળ અને FIA દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે આ આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે.
મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો સંવેદનાપૂર્ણ સકારાત્મક પ્રતિસાદ આપીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- GIDCને જરૂરી કાર્યવાહી માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા
  વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધું ઉદ્યોગોને મળશે.
મુખ્યમંત્રીએ GIDC ના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત, ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા તેમજ GIDCના મેનેજિંગ ડિરેક્ટરશ્રી એમ. થેન્નારસન સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકના અનુસંધાને ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે
 તેની વિગતો GIDCના મેનેજિંગ ડિરેક્ટર એમ. થેન્નારસને આપી હતી.જે બાબતોનો આ યોજનાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે મુજબ ઊદ્યોગકારોને આર્થિક પ્રોત્સાહન આપવા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા એટલે કે મોરેટોરિયમ પીરિયડ વધુ 1 વર્ષ વણવપરાશી દંડની રકમ લીધા વગર વધારી આપવામાં આવશે.
તદઅનુસાર, જે ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા 2021-22માં પૂર્ણ થતી હોય તેને વધુ વર્ષ વણવપરાશી દંડ વસુલ કર્યા સિવાય સમય મર્યાદા વધારી અપાશે.
આ નિર્ણયને પરિણામે ઊદ્યોગકારોને મિલકતનો વપરાશ કરવા માટે વધુ સમય મળી રહેશે અને દર વર્ષે વિતરણ કિંમતના 2 ટકા પ્રમાણે વણવપરાશી દંડની અંદાજે કુલ 16.70 કરોડની રકમ ભરવાથી છૂટછાટ મળશે. આ યોજનાનો અંદાજે 672 લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થશે.
એટલું જ નહીં, ઔદ્યોગિક વસાહતોના જે ફાળવણીદારો અગાઉની નિતી અંતર્ગત વપરાશની સમય મર્યાદા વધારાનો લાભ મેળવી શક્યા નથી તથા જેમને માર્ચ-2022 સુધી લાભ આપવામાં આવ્યો છે તેવા તમામ ફાળવણીદારોને માર્ચ 2023 સુધી વપરાશ સમયમર્યાદા વધારી આપવામાં
આવશે. વધારેલ સમય મર્યાદામાં વપરાશ શરૂ કરવામાં આવશે તો આ નિતી અન્વયે અંદાજે 350 કરોડની રાહતનો આવા 1656 ઊદ્યોગકારોને લાભ મળશે.
GIDCના મેનેજિંગ ડિરેક્ટરશ્રીએ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં લેવામાં આવેલા અન્ય નિતી વિષયક નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી.
 વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો પણ સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતા નિર્ણય કર્યો છે કે, GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવીડ-૧૯ ની મહામારી તથા તે દરમ્યાન થયેલ લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત્ત અસરોને પરિણામે આર્થિક બોજો ન પડે તે હેતુસર નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧–૨૨ માટે નિયત કરેલ ભાવ વધારો આ વર્ષ માટે મોકુફ રાખીને  ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજીત રૂ. ૨૬ કરોડની રાહત આ નિર્ણયને પરિણાને ઊદ્યોગકારોને મળશે.
તદઉપરાંત વધુ માંગ ધરાવતી સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ : ૨૦૨૧–૨૨ માટે નકકી કરેલ ભાવ વધારો થયાવત્ રાખવામાં આવ્યો છે.
GIDC દ્વારા નવા કરવાના થતા બાંધકામ વિસ્તારના નકશા મંજુર કરતી વખતે સર્વિસ અને એમીનીટીઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂ .૫૦ વસુલ કરવામાં આવે છે.
આ ૨કમને સંબંધિત વસાહતના કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ હેઠળના કામો માટે મહત્તમ રૂ. ૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦ % રકમ તથા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર ખાસ જરૂરીયાતવાળા (Mandatory) કામો, ઊદ્યોગકારોની મિલ્કતોની માપણી, સર્વે, સ્થળ નિરીક્ષણ રિપોર્ટ, જરૂરીયાત મુજબ વસાહતની આંતરમાળખાકીય સુવિધા, પર્યાવરણ માટેના અભ્યાસ વગેરેની કામગીરી માટે રૂા.૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦% ૨કમ વપરાશ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ૧૩૮ વસાહતોને આશરે રૂ. ૭૧.૩૦ કરોડનો લાભ મળવા પાત્ર થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૦૯-૨૦૧૯થી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડની રચના કરવામાં આવેલી છે.
તે અંતર્ગત વિવિધ વસાહતોમાં પ્રતિ ચો.મી. રૂ. ૫ લેખે વસુલાત કરી તે પૈકી રૂ.૩ નિગમે વસાહતોના નવીનીકરણના કામો માટે આપેલ ફાળા પેટે રાખવાના તથા રૂ .૨ જે તે ઔદ્યોગિક વસાહત મંડળોને વસાહતની નિભાવણી માટે ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, GIDC દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં થયેલ ખર્ચ પેટે એસોસીએશનના ફાળાની વણવસુલાયેલ રકમ નિગમના વર્ષ ૨૦૧૦ના પરિપત્ર મુજબ વસુલ થયેલ "ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડ" પૈકી રૂ.૨ લેખે ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને ફાળવવાની થતી ઉપલબ્ધ રકમમાંથી સરભર કરી બાકીની બચતની રકમ સંબંધિત ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને નિભાવણી ફંડ પેટે ફાળવી આપવાની રહેશે. રૂ.૨ લેખે વસુલ કરેલ ૨કમમાંથી વસાહત મંડળના ફાળા પેટે અંદાજે રૂ.૩૩.૨૪ કરોડ સંબંધિત ૫૯ વસાહત મંડળને નિભાવણી ફંડ પેટે ફાળવવાનો અંદાજ છે.
આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19થી ઉદભવેલી પ્રતિકુળ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રાજ્યના નાના-મોટા, લધુ-મધ્યમ ઉદ્યોગોને પૂન: બેઠા થઇ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત કરવા દર્શાવેલી આ સંવેદના ઉદ્યોગો માટે પ્રોત્સાહક બનશે તેમ પણ શ્રી થેન્નારસને જણાવ્યું હતું.

(6:25 pm IST)