Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ચાલુ વર્ષે રાજ્ય કરવેરા વિભાગની આવકમાં 55 ટકાનો વધારો:છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ

જુલાઇમાં 3892 કરોડની આવક રાજ્ય કર વિભાગને થઈ : વેપારીઓના GSTમાં રજિસ્ટ્રેશનની સંખ્યામાં પણ ધરખમ વધારો

અમદાવાદ :કોરોના કાળ બાદ રાજ્યની આવકમાં વધારો નોંધાયો છે. ગુજરાત રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત રાજ્ય કરવેરા(GST)વિભાગ છે. જેની આવક છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ ચાલુ વર્ષે નોંધાઇ છે. રાજ્ય કર વેરા વિભાગની વધેલી આવક દર્શાવે છે કે ગુજરાતના વેપારીઓ કોરોનામાંથી ઉભરી રહ્યા છે અને વેપાર ધંધા ફરીથી ધમધમી રહ્યા છે.

કરવેરા વિભાગની આવક માં જુલાઇ મહિનામાં ભારતમાં 1 લાખ 16 હજાર કરોડની આવક થઈ છે. જે ગત વર્ષ કરતા 33 ટકા વધારે છે અને જો ગુજરાતની વાત કરીએ તો ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં 3892 કરોડની આવક રાજ્ય કર વિભાગને થઈ છે જે ગત વર્ષ કરતા 55 ટકા વધારે છે. રાજ્ય સરકારની આવકની સાથે સાથે વેપારીઓના GSTમાં રજિસ્ટ્રેશનની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે.

4 વર્ષ પહેલાં ગુજરાતના 5 લાખ વેપારીઓએ GST માં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતના 10 લાખ વેપારીઓએ GSTમાં રજિસ્ટ્રેશન કરાવેલું છે જેનાથી રાજ્ય સરકારની આવકમાં વધારો નોંધાયો છે. કોરોનાકાળમાંથી ઉભરી રહેલા વેપારીઓ સમયસર રાજ્ય સરકારને વેરો ચૂકવી રહ્યા છે અને ચાલુ વર્ષે રાજ્યમાં 1 લાખ 60 હજાર નવા વેપારીઓએ નવા GST નમ્બરની નોંધણી કરવા માટે અરજી કરી છે..

જે વેપારીઓના વેટ નમ્બર રીટર્ન ન ભરવાના કારણે રદ કર્યા છે તેમને રિવોક પર રીટર્ન ભરવાની છુટછાટ આપવામાં આવી છે અને તેમછતાં પણ જો કોઈ વેપારીને તેમનો વેટ નમ્બર શરૂ કરવામાં મુશ્કેલી પડતી હોય તો તેવા વેપારીઓ તેમની રજુઆત રાજ્ય કર વેરા વિભાગના ચીફ કમિશનરને કરીને નિરાકરણ લાવી શકે છે

રાજ્ય કરવેરા વિભાગ ના ચીફ કમિશનર જે.પી ગુપ્તા એ કોરોનાકાળ દરમ્યાન ગુજરાતની આવક વધવા માટે કેન્દ્ર સરકારનું હકારાત્મક અભિગમ મહત્વનું રહ્યું હોવાનું કહીને કહ્યું કે દેશભરમાં જ્યારે GST લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે ભારત સરકારે વચન આપ્યું હતું કે જો GST લાગુ કરવાથી રાજ્ય સરકાર ની આવકમાં ઘટાડો થશે તો ઘટાડાની આવક ની મદદ કેન્દ્ર સરકાર તરફથી મળશે.

જેને કારણે કોરોનાકાળમાં ગત વર્ષે રાજ્ય કર વિભાગની આવકમાં જે ઘટ પડી હતી તેની ચુકવણી થઈ ચૂકી છે અને ચાલુ વર્ષે પણ રાજ્ય કરવેરા ની ઘટની આવકના 50 ટકા રકમ 6400 કરોડની લોન પણ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ચૂકવી દેવામાં આવી છે જેનાથી ગુજરાતને ફાયદો થશે. સૌથી મહત્વની વાત એ છે કે લોન પર ચૂકવવાનું થતું વ્યાજ પણ કેન્દ્ર સરકાર ચૂકવે છે જેનાથી રાજ્ય સરકાર પર વધારાનો બોજો રહેશે નહીં.

(6:06 pm IST)