Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે મહિલા મુસાફરના સોનાના ઘરેણાં સહીત પર્સ લૂંટી બે મહિલા સહીત બે પુરુષ ફરાર

માણસાવિજાપુર તાલુકાના પિલવાઇ ગામેથી ગઈ કાલે સવારે એક મહિલા પોતાના બાળકો સાથે ખાનગી વાહનમાં બેસી કલોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે માણસા પહોંચ્યા તે વખતે વાહન મુસાફર ના સ્વાંગમાં બેઠેલા બે મહિલા અને બે પુરુષોએ કટર જેવું હથિયાર બતાવી બાળકોને મારી નાખવાની ધમકી આપી મહિલાનું સોનાના ઘરેણાં અને રોકડ રકમ સાથેનું પર્સ લૂંટી માર મારી ભાગી છૂટયા હતા જે બાબતે મહિલાએ ૨.૪૨ લાખ ની મતાની લૂંટ ચલાવનાર અજાણ્યા વાહન સાથે આવેલા ચાર ઇસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે રહેતા નીતાબેન ભરતભાઈ રબારી ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગે પોતાનાં ત્રણ બાળકો સાથે કલોલ જવામાટે પીલવાઇ ગામની ચોકડી પર આવ્યા હતા અને તેમને ખાનગી વાહનમાં કલોલ જવાનું હોવાથી વાહનની રાહ જોતા હતા ત્યારે એક સફેદ કલરની ઇકો ગાડી આવી હતી અને તે માણસા તરફ જતી હોવાનું ડ્રાઇવરે કહેતા નીતાબેન તેમના ત્રણ બાળકો સાથે બેસી ગયા હતા જેમાં બે બાળકોને ડ્રાઇવર પાસેની સીટમાં બેસાડયા હતા અને નીતાબેન વચ્ચેની સીટમાં બેઠા હતા ત્યારે તેમની બંને બાજુ એક મહિલા અને એક પુરુષ આવીને બેઠા  હતા તો પાછળની સીટમાં અન્ય એક મહિલા પણ બેઠેલી હતી જ્યારે આ ગાડી માણસા નજીક મહારાજા હોટલ પાસે પહોંચી ત્યારે ડ્રાઇવરે ગાડીને ઉભી રાખી નીતાબેન ની પાસે બેઠેલ મહિલા અને પુરુષે ધારદાર કટર બતાવી રોકડ દાગીના જે હોય તે આપી દેવા ધમકી આપી હતી અને જો નહીં આપો તો તેમના બાળકોને મારી નાખીશું તેવું કહેતા ગભરાયેલી મહિલાએ બૂમાબૂમ કરતા ઈકોમાં બેઠેલા આ લૂંટારું ગેંગના બે મહિલા અને પુરુષો એ ઝપાઝપી કરી પર્સ ઝૂંટવી લઈ નીતાબેનને માર મારી નીચે  ફેંકી દીધા હતા અને બાળકોને પણ ત્યાં ઉતારી ચારે ઈસમો ગાડી લઈને ભાગી છૂટયા હતા આ સમયે ભારે હોબાળો થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ મહિલાને પ્રાથમિક સારવાર માટે દવાખાને લઈ ગયા હતા ત્યાર બાદ મહિલાએ પોતાના પર્સમાં મુકેલા ૪૫ હજાર રૃપિયા રોકડા સોનાની બુટી,કડી,પેન્ડન્ટ સાથેનો દોરો,વીંટી મળી ૨,૪૨,૪૦૦ રૃપિયા ની મતા સાથેનું પર્સ લૂંટી જનાર અજાણ્યા બે મહિલા અને બે પુરુષોનું વર્ણન જણાવી લૂંટારું ગેંગ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:15 pm IST)