Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રૂપિયાની લાલચ જાગતા ખેડા જીલ્લાની માયા દાબલાએ એમબીબીએસનો અભ્‍યાસ અધુરો મુકી આઇવીએફ હોસ્‍પિટલમાં નોકરી કરવા લાગી અને બાળકોની ડિમાન્‍ડ પારખી નોકરી છોડીને બાળકો વેચવાનું કામ શરૂ કર્યું

ગરીબ, ડાયવોર્સી અને વિધવા મહિલાઓનો સંપર્ક કરીને ગ્રાહકો શોધવાનું શરૂ કરતી

અમદાવાદ: મઘ્ય ગુજરાતમાં ગર્ભપાતની હિચકારી ઘટના બાદ હવે નડિયાદમાં માસુમ બાળકોને વેચી નાંખવાનું કૌભાંડ ખૂલ્યું છે. કહેવાય છે કે બાળકોમાં તો ભગવાન વસે છે. પરંતુ આ કળિયુગી કંસ એના પણ સોદા કરતા ખચકાતાં નથી. ગુજરાત જ નહિ, પરંતુ રાજ્યની બહાર પણ આ પાપલીલાના તાર જોડાયેલા છે. ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યાર બાદ તેમને રૂપિયાની લાલચ આપતા. તેના નવજાત માસુમને જ ખરીદી લેતા હતા. માયા નામની મહિલા સમગ્ર કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. માત્ર સગર્ભાઓ જ નહિ, પરંતુ માયા નામની આ રાક્ષસી કૂખ ભાડે આપે તે સરોગેટ મહિલાઓને પણ ફસાવતી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. માયા સાથે બાળકોનો સોદો કરતી બીજી ત્રણ મહિલાઓ પણ પકડાઈ છે. એમબીબીએસના ત્રીજા વર્ષનો અભ્યાસ અધૂરો મૂકીને માયા કેવી રીતે બાળકોનો સોદો કરતી થઈ ગઈ તે પોલીસ તપાસમાં સામે આવ્યું.

કોણ કોણ પકડાયું

- મોનિકાબેન (વા./ઓ. મહેશભાઇ પ્રવિણભાઇ શાહ)

- પુષ્પાબેન (વા. ઓ. સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા)

- માયાબેન (વા./ઓ. લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા)

- રાધિકાબેન (વા./ઓ. રાહુલભાઇ મશરામભાઇ ગેડામ)

માયા એમબીબીએસમાં ભણતી હતી

બાળકો વેચવાની મુખ્ય સૂત્રધાર માયા લાલજીભાઈ દાબલાને રેકોર્ડ તપાસતા પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, માયા એમબીબીએસની વિદ્યાર્થીની હતી. પરંતુ તેણે ત્રીજા વર્ષે જ અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો. લગ્ન બાદ તે નડિયામાં સ્થાયી થઈ હતી. બાદમાં તેણે આણંદની IVF હોસ્પિટલ નોકરી કરવા લાગી હતી. અહી નોકરી કરીને તે બાળકોની ડિમાન્ડ પારખી ગઈ હતી, અને નોકરી છોડીને બાળકોને વેચવાનું કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન તે મોનિકા, પુષ્પા અને રાધિકાના સંપર્કમાં આવી હતી. અત્યાર સુધી ચાર મહિલાઓની ડિલિવરી કરાવી હોવાની ચોકાવનારી માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.

માયાની મોડસ ઓપરેન્ડી

બાળકોને વેચવાના કામમાં માયાએ ગજબની મોડસ ઓપરેન્ડી બનાવી હતી. તેણે ગરીબ, ડાયવોર્સી અને વિધવા મહિલાનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. જો કોઈ મહિલા પોતાની કુખ વેચવા તૈયાર થાય ત્યારથી જ તે પુષ્પાનો સંપર્ક કરી ગ્રાહક શોધવાનું શરૂ કરી દેતી હતી.

સમગ્ર કૌભાડમાં નડિયાદની જ રહેવાસી મોનિકાનો રોલ ગ્રાહક સોધવાનો અને ગ્રાહક સાથે સોદો પાર પાડવાનો હતો. તો પુષ્પા પણ માયા સાથે સંપર્કમાં હતી. માયા જે કોઇ ગરીબ, નિરાધાર, ડાયવોર્સી, કે વિધવા મહિલાને શોધી લાવે તેમની સાથે જે સોદો નક્કી થાય તેમાં 50 હજારનું પોતાનું કમિશન રાખી તે આગળ બીજા દલાલની શોધ કરતી હતી.

જ્યારે કે રાધિકા કૌભાંડમાં પકડાયેલી એ મહિલા છે, જેણે પોતાના કૂખ ભાડે આપી હતી. નાગપુરની આ મહિલાની નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ પહેલા જ ડિલીવરી થઈ હતી. ડાયવોર્સ થયા બાદ તેને ખબર પડી હતી કે તે મા બનવાની છે. રૂપિયાની જરૂર હતી. હવે બાળકનું શુ થશે એ વિચારીને તે બાળકને વેચવા તૈયાર થઈ હતી. આ માટે માયાએ તેને મોટી લાલચ આપી હતી. 

(4:35 pm IST)