Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અમદાવાદના જુહાપુરા વિસ્‍તારમાં સલમાનનો મૃતદેહ કચરા પેટીમાંથી મળ્‍યોઃ ડ્રગ્‍સના નશામાં રહેલા યુવકના ગુપ્‍ત ભાગે કોઇએ ફેવિક્‍વિક નાખી હોવાનું ખુલ્‍યુ

મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટઃ એફએસએલની મદદ લેવાઇ

અમદાવાદ: અમદાવાદમાં હવે એવી એવી ક્રાઈમની ઘટનાઓ સામે આવે છે કે, જાણીને આંખે અઁધારા આવી જાય. રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચઢ્યુ છે, ત્યારે ડ્રગ્સની લતમાં યુવકો એવા કામ કરી રહ્યા છે ખુદ પોલીસ પણ આવા કિસ્સા જોઈને ચોંકી ગઈ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા સલમાન નામનો યુવક એક કચરા પેટી પાસે મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, તેના ગુપ્ત ભાગમાં કોઈએ ફેવિક્વિક નાંખી હતી. ત્યારે હવે પોલીસ આ યુવકના મોતનું કારણ જાણવામાં લાગી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવાઈ છે.

શું હતી ઘટના

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફરીદભાઈ રહે છે. તેમને સંતાનમાં 29 વર્ષીય દીકરો સલમાન તથા બે દીકરીઓ છે. આ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. ત્યારે તાજેતરમાં સલમાનનો મિત્ર તેને બેહોશ હાલતમાં ઘરે લઈ આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, સલમાન ડ્રગ્સ લીધુ છે, નશો ઉતરશે એટલે સારો થઈ જશે. દીકરાના સાજા થવાની રાહ જોઈ રહેલા માતાપિતા કંઈ સમજે તે પહેલા તો સલમાનનુ મોત નિપજ્યુ હતું. ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક કોણે લગાવી

પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. જ્યારે તેનો મિત્ર તેને ઘરે લઈને આવ્યો હતો તો તેને ભારે દર્દી થઈ રહ્યુ હતું. તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લાગેલી હોવાથી તેને પેશાબ પણ થતો ન હતો. સવારે ઊલટીઓ થતા પરિવાર તેને સોલા સિવિલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું.

હોટલમાં સલમાન સાથે દેખાયેલી બે યુવતીઓ કોણ

ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. સાથે જ પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, જે હોટલમાં સલમાને ડ્રગ્સ લીધુ હતું ત્યાં બે યુવતીઓ પણ હતી. ત્યારે સલમાન પાસે ડ્રગ્સ કેવી રીતે આવ્યું, બે યુવતીઓ કોણ હતી, અને સલમાનના ગુપ્ત ભાગે ફેવિક્વિક કોણે લગાવ્યું તે પોલીસ માટે પણ માથુ ખંજવાળતા પ્રશ્નો છે. પોલીસે હોટલ પાસેના સીસીટીવી મેળવ્યા છે, જેમાં બે યુવતીઓ વિશેની માહિતી ખૂલી શકે છે. 

(4:35 pm IST)