Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ડી-માર્ટના નામે ડીસ્કાઉન્ટ,જોજો એ લિંકમાં ફસાતા નહિઃ અજય કુમાર ચૌધરી

અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર ગુજરાતભરના લોકો માટે સાવધાનીના સૂરો રેલાવે છે

રાજકોટ તા. ૨૧, સાયબર ક્રાઇમ માફીયાઓ હોય કે પછી કાયદો વ્યવસ્થા પ્રશ્ને જાગૃતિ હોય કે પછી લોકોને કોરોના મહામારી ધ્યાને લઈ ગુજરાતના કોઇ પણ શહેરની સમસ્યા સમયે જાગૃત કરવા માટે જાણીતા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી દ્વારા ડી માર્ટ નામે લોકો સાથે થતી છેતરપીંડી અંગે સાવધાનીના સુરો સોશ્યલ મીડિયા માધ્યમથી રેલાવ્યા છે, જે ચેતવણી આ મુજબ છે.

હાલમાં સોશિયલ મીડિયામાં જાણીતી રીટેઇલ ચેઇન ડી-માર્ટ દ્વારા  ઓનલાઇન ફોર્મ ભરી ડિસ્કાઉન્ટ કુપનનો દાવો કરતી લિંક વાયરલ થઈ રહી છે. જોકે આ લિંક વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેરના લોકોને ચેતવવામાં આવે છે અને આ પ્રકારની લિંક ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે જેથી તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. પ્ર્રાથમિક દૃષ્ટીએ આ લીંક દ્વારા લોકોના નામ , મોબાઈલ નબર સહિતની વિગતો ભેગી કરવાનું કાવતરૂ જોવા મળી રહ્યું છે. સાયબર ગઠીયાઓ દ્વારા આ પ્રકારની લીંક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. જેથી લાલચમાં આવીને લોકો લીંકમાં પોતાની વિગતો ભરે અને તેના દ્વારા ગઠીયાઓને લાભ મળે. આ અગાઉ પણ આવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. જેમાં સાયબર ગઠીયાઓ દ્વારા આવી લિંક સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હોય છે. ઉપરાંત કેટલાંક સાયબર ગઠીયાઓ આબેહૂબ સરકારી વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપીંડી કરતાં હોય છે. જેથી જયાં સુધી કોઈ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત  કરવામાં ન આવે ત્યાં સુધી લોકોએ આવી લીંકનો ઉપયોગ કરવો ના જોઈએ. આવા ઓનલાઈન ઠગોથી સાવધાન રહેવા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

ઠગાઈથી બચવા આ પ્રકારની લિંક તમારી પાસે આવે તો...

 આવી કોઈ લિંક પર કયારેય કિલક કરવુ નહીં કે તેને ફોરવડ કરવી નહી.

 જો લિંક પર કલીક કરેલ હોય તો મોબાઈલ ફેકટરી રીસેટ કરવો.

 સોશ્યલ મીડિયામાં ઓટો ડાઉનલોડ ઓફ રાખવુ.

  લાલચ આપતી તમામ ઓફરોથી દુર રહેવુ

 જરૂર ના હોય તો ડેટા કનેકશન પણ ઓફ રાખવુ જેથી ઝીરો કલીક એટેકથી બચી શકાય. 

(3:30 pm IST)