Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરણ-9થી 12ના આચાર્યો અને શિક્ષકોની તાલીમમાં અમદાવાદની શાળાઓની નિરસતા: ડીઈઓ એક્શનમાં

શિક્ષણાધિકારી દ્વારા 100 ટકા રજિસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા આદેશ

અમદાવાદ : દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી ધોરણ-9થી 12ના આચાર્યો અને શિક્ષકોની તાલીમમાં અમદાવાદની શાળાઓની નિરસતાની ગંભીર નોંધ લેવાઈ છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી તાલીમ માટે શિક્ષકો અને આચાર્યોનું શનિવાર સુધીમાં 100 ટકા રજિસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા માટે આદેશ કર્યો છે. સ્કૂલોને અનેકવાર સુચના આપવામાં આવી હતી, છતાં રજિસ્ટ્રેશન ખુબ જ ઓછું થયું હોવાનું સામે આવતા ડીઈઓને પરિપત્ર કરવાની ફરજ પડી છે. નિયત સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

હાલમાં દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી ધોરણ-9થી 12ના શિક્ષકો અને આચાર્યો નિષ્ઠા મોડ્યુલની તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ સંબંધિત વિશેષ બાબતો અને તાલીમ દ્વારા વર્ગખંડમાં જોવા મળનારા પરિણામ સંબંધિત મુદ્દાઓની સમજ માટે બાયસેગ દ્વારા ટેલિકોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલી છે. આ તાલીમ સંબંધે વારંવાર લેખિત સુચના આપવા છતાં નિષ્ઠા તાલીમના રજિસ્ટ્રેશન અને કોર્ષમાં જોડવવા માટે શાળાઓમાં ભારે નિરસતા જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરની સ્કૂલોના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં વારંવાર તાલીમ અંગેની સુચનાઓ આપવામાં આવી હોવા છતાં જિલ્લાનું રજિસ્ટ્રેશન ખુબ જ ઓછું હોવાનું સામે આવ્યું છે. જેથી 21 ઓગસ્ટ સુધીમાં એટલે કે શનિવાર સુધીમાં દરેક આચાર્ય અને તમામ શિક્ષકોનું 100 ટકા રજિસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી સુચના આપી હોવાનું જાણવા મળે છે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ટેલીકોન્ફરન્સમાં આપેલી સુચનાઓ તેમજ સેલ્ફ ડેક્લેરેશનની પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરેલા હોય અને સેલ્ફ ડેક્લેરેશનની પ્રક્રિયા પુર્ણ કરવાની બાકી હોય તો તે પણ તાત્કાલીક પુર્ણ કરવા માટે સુચના અપાઈ છે. જિલ્લા શિક્ષણધિકારી દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવામાં નહીં આવે તો નિયમાનુસારની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલીમને લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ત્રીજું રિમાઈન્ડર સ્કૂલોને મોકલવામાં આવ્યું છે. પ્રથમ બે રિમાઈન્ડરને તો શાળાઓ જાણે ઘોળીને પી ગઈ હોય તેમ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. જેથી ડીઈઓએ આ વખતે રજિસ્ટ્રેશન નહીં કરનારી સ્કૂલો સામે કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે

(12:33 am IST)