Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કોરોનાની બીજી લહેરમાં મૃત્યુ પામેલા કર્મચારીઓ અને અધિકારીઓની માહિતી એકત્ર કરવા સરકારનો પરિપત્ર

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે માહિતી મંગાવી

અમદાવાદ:શહેરમાં કોરોનાની પ્રથમ લહેર બાદ કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા કર્મચારીઓ અને અધિકારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવવામાં આવી હતી પણ કોરોનાની બીજી લહેરમાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાંક કર્મચારીઓ અને અધિકારીઓના કોરોના સંક્રમણથી મોત નિપજ્યાં હતા. આ સંદર્ભમાં મૃતક અધિકારીઓ-કર્મચારીઓના પરિવારોને પણ સહાય ચૂકવાય તેવી માગ ઉઠી હતી તે સંદર્ભમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે માહિતી મંગાવી છે.

અમદાવાદ મ્યુનિ.ના નાણાં ખાતાએ તા.18મી ઓગસ્ટના રોજ પરિપત્ર કરીને તમામ ખાતાના વડાઓ અને બિલ ક્લાર્કને નિશ્ચિત ફોર્મમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા કર્મચારીઓ અને અધિકારીઓની માહિતી આપવા કહ્યું છે જેથી તેઓના પરિવારજનોને 25 લાખની સહાય આપી શકાય.

અમદાવાદ મ્યુનિ.ના નાણાં ખાતાએ ચોક્કસ ફોરમેટમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી મંગાવી છે જેમાં એક નકલ સામાન્ય વહીવટી વિભાગને મોકલાશે જ્યારે એક નકલ અમદાવાદ મ્યુનિ.ના નાણાં ખાતામાં જમા કરાવવાની રહેશે.

અમદાવાદ મ્યુનિ.એ કરેલા પરિપત્રમાં 17 પ્રશ્નો સાથેનું ફોર્મ ખાતાના વડાની સહી સાથે માગવામાં આવ્યું છે જેમાં 1. સ્વ કર્મચારીનું નામ, હોદ્દો અને કચેરીનું નામ, 2. સ્વ. કર્મચારીને સોંપવામાં આવેલી ફરજ અને હુકમની નકલ 3. સ્વ. કર્મચારીને સોંપવામાં આવેલી ફરજો આવશ્યક સેવા છે કે કેમ તે અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, 4. સ્વ. કર્મચારીએ બજાવેલી ફરજ આવશ્યક સેવાનું વર્ણન 5. સ્વ. કર્મચારીને છેલ્લે કઇ તારીખ સુધી ફરજ બજાવેલ છે તેના પુરાવા (પાગર સ્લીપ, હાજરી પત્રક વગેરે) 6. કોવિડની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ છે કેમ 7. કોરોના પોઝિટિવ આવ્યાની તારીખ અને રિપોર્ટની નકલ 8.આવશ્યક સેવા હેઠલ બજાવેલ ફરજોના કારણે સ્વ કર્મચારીઓને કોરોના થયો છે તે ફલિત થાય છે કેમ સહિત જુદા-જુદા 17 પ્રશ્નોનું ફોર્મ ભરવાનું રહેશે જેમાં આશ્ચિત પરિવારોને સહાય આપવા પાત્ર છે કે નહીં તે અંગેનો ખાતાના વડાનો સ્પષ્ટ અભિપ્રાય આપવાનો રહેશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોરોનાની ફરજ દરમિયાન કેટલાય કર્મચારીઓના દુખદ અવસાન થયા છે જે સંદર્ભમાં તેમના પરિવારોને સરકારની સહાય મળે તે માટે ફોર્મ ભરીને સરકારને મોકલવાના રહેશે જેમાં સરકાર અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનોને પેટે 25 લાખની સહાય આપશે.

(11:05 pm IST)