Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પરીક્ષા કે કસોટી નહીં પણ સજ્જતા માટેનો સર્વેક્ષણ

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શિક્ષકોને વિડીયો મેસેજના માધ્યમથી સંબોધ્યા: સર્વેક્ષણમાં ભાગ લેવા શિક્ષકોને અપીલ

અમદાવાદ :રાજયમાં આગામી તા.24મી ઓગસ્ટથી પ્રાથમિક શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણનો પ્રારંભ થઇ રહ્યો છે. તેને લઇને શિક્ષક સંગઠનમાં મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શિક્ષકોને વિડીયો મેસેજના માધ્યમથી સંબોધ્યા હતા અને આ સર્વેક્ષણ કોઈ પરીક્ષા નહીં પરંતુ સજ્જતા માટેનું હોવાનું જણાવી 100 ટકા શિક્ષકો તેમાં ભાગ લે તે માટે આહવાન કર્યું હતું. સર્વેક્ષણને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવેલા બહિષ્કાર બાદ શિક્ષણમંત્રીએ શિક્ષકોને સંબોધતો વિડીયો બહાર પાડી સર્વેક્ષણમાં ભાગ લેવા માટે જણાવ્યું છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક વિડીયો મેસેજ બધા શિક્ષકોને મોકલ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગુણવત્તા સુધારણા માટે પ્રિય બાળકોને અન્ય બાળકોની સમકક્ષ લાવવા માટે શિક્ષકોએ બે-ત્રણ મહિનાની મહેનત કરી હતી અને તેના ખુબ જ સારા પરિણામ પણ આવ્યા છે. ત્યારબાદ એકમ કસોટીમાં પણ શિક્ષકોની મહેનત દેખાઈ છે. આમ, શિક્ષકો અન્ય કામગીરીમાં પણ ખુબ જ સારો દેખાવ કરી રહ્યા છે.

શિક્ષકો દ્વારા જે પધ્ધતિથી કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી ગુણવત્તામાં પણ ફેર થયો છે અને એટલે જ રાજ્યની ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં પ્રવેશ લેવા માટે આવ્યા છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોનો પણ વિકાસ થાય તે ખુબ જ જરૂરી છે. જેથી સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંઘોની સંમતિ બાદ 24 ઓગસ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણની જાહેરાત કરી હતી. આ માત્ર સર્વેક્ષણ છે, તેમાં કોઈ પરીક્ષા કે કસોટી જેવો શબ્દ નથી. સર્વેક્ષણ ફરજિયાત પણ નથી અને શિક્ષકોની કારકિર્દીમાં તેની કોઈ નોંધ પણ કરવામાં આવનાર નથી.

દરેક ક્ષેત્ર જેવા કે વકીલ, ડોકટરો કે અન્ય પ્રોફેશનલ્સ સતત લેટેસ્ટ ટેક્નોલોજી અને ઈનોવેશનથી સજ્જ થતા હોય છે તે જ રીતે શિક્ષકો પણ સજ્જ રહે તે માટે જ આ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વિડીયો સંદેશમાં જણાવાયું હતું. આ સર્વેક્ષણ શિક્ષકો માટે મરજિયાત કરાયું છે પરંતુ તમામ 100 ટકા શિક્ષકો તેમાં ભાગ લેશે તેવો વિશ્વાસ છે. આ સર્વેક્ષણમાં ભાગ લેનારા શિક્ષકોને પ્રમાણપત્ર આપવા માટેની પણ સુચના અપાઈ છે. તમારી મહેનતથી ગુજરાતે દેશમાં રેન્કીંગમાં આગળ આવ્યું છે. હજુ આપણે આગામી વર્ષમાં આગળ આવવાનું છે તેના માટે સજ્જ થવું જરૂરી છે.

(9:27 am IST)