Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ જુલાઈમાં ફરી આવશે ગુજરાત : અમદાવાદમાં નવી કિડની હોસ્પિટલનું કરશે ઉદ્ધઘાટન

સૌરાષ્ટ્રમાં પણ ગુજરાત ગૌરવ મહા સંમેલનમાં તેઓ સંબોધન કરશે.

વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ હજુ ત્રણ દિવસ પહેલાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યાં હવે ફરીથી વડાપ્રધાન મોદી અને શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે.

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. જુલાઇ મહિનામાં તેઓ અમદાવાદના પ્રવાસે આવવાના છે. અમદાવાદમાં નવી કિડની હોસ્પિટલનું તેઓ ઉદ્ઘાટન કરશે. જેના માટે પીએમઓ પાસેથી તારીખ માગવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ગુજરાત ગૌરવ મહા સંમેલનમાં તેઓ સંબોધન કરશે. પીએમઓમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી દર મહિને ગુજરાત પ્રવાસે આવશે અને જોરશોરથી પ્રચાર પ્રસાર કરશે.

બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ 30 જૂને ગુજરાત આવશે અને 1 જૂને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. તેઓ રથયાત્રાના દિવસે પરંપરાગત રીતે મંગળા આરતીમાં હાજર રહેશે. આ ઉપરાંત 1 જુલાઇએ કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં તેઓ 750 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે.

વડાપ્રધાન  મોદી આ પહેલા 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે માતા હિરાબાના 100મા જન્મ દિવસ નિમિત્તે તેમને મળવા ગયા હતા. ત્યારબાદ તેમણે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને ધ્વજારોહણ કર્યું હતું અને વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. વડોદરામાં પણ અનેક વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા હતા.

આ અગાઉ 27 મેના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ 29મી મેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજકોટમાં  બનેલા રાજ્યના પ્રથમ આધુનિક ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું. બન્ને પોલીસ સ્ટેશન વિદેશી ટેકનોલોજીથી સજ્જ છે. પોલીસ સ્ટેશનમાં આરોપીના ઈન્વેસ્ટીગેશન માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

(12:26 am IST)