Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સાપુતારામાં આહલાદક વાતાવરણ વચ્‍ચે સર્જાયેલ નયનરમ્‍ય દ્રશ્‍યો સોશિયલ મીડિયામાં વાઈરલ : કાશ્‍મીરની વાદીઓ જેવુ વાતાવરણ સર્જાતા પ્રવાસીઓ ખુશખુશાલ

વરસાદી ઝાપટા બાદ ધુમ્‍મસિયા વાતાવરણમાં સાપુતારાની પર્વતમાળા વાદળો સાથે જાણે વાત કરતી હોય તેવા સ્‍વર્ગથી પણ સુંદર દ્રશ્‍યો સર્જાયા !

નવસારી તા.૨૧ : ચોમાસાની સિઝન આવતાની સાથે જ ગુજરાતનુ જગવિખ્‍યાત પ્રવાસન સ્‍થળ સાપુતારા સોળે કલાએ ખીલી ઉઠે છે. એમા પણ સવારમાં જ વરસાદી ઝાપટુ પડતા સાપુતારાની પર્વતમાળા જાણે કાશ્‍મીરની વાદીઓમાં રૂપાંતરીત થઈ ગઈ હોય તેમ ધુમ્‍મસ ભર્યા વાતાવરણ વચ્‍ચે આહલાદક દ્રશ્‍યો સર્જાયા હતા. આ કુદરતી અને અદભુત નજારો ત્‍યા ઉપસ્‍થિત પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

 

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસું શરૂ થતાં જ પ્રકૃતિ સોળેય કલાએ ખીલી ઉઠે છે. એમાં પણ ખાસ કરીને સાપુતારામાં ચોમાસાની સિઝનમાં કાશ્મીરની વાદીઓ જેવો સ્વર્ગથી પણ સુંદર નજારો સર્જાતો હોય છે. હાલમાં સાપુતારામાં વરસાદ શરૂ થતાં જ ગુજરાત કી આંખ કા તારા સાપુતારાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ગિરિમથક સાપુતારામાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ વાતાવરણ બદલાતા ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી સાપુતારામાં વાદળો સાથે કરતી પર્વતમાળાના દ્રશ્યો વાયરલ થયા છે. આ કુદરતી સુંદરતાનો અદ્દભુત નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. 

ડાંગ જિલ્લો એમાંય ખાસ કરીને સાપુતારામાં ચોમાસાની સિઝનમાં હરિયાળી જવાઇ જાય છે. ચોમાસું શરૂ થતાં જ અહીં પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. કારણ કે આ હિલ સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલું હોવાથી અહીં બંને રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટે છે. ચોમાસાની સિઝનમાં સાપુતારાને ચાર ચાંદ લાગી જાય છે. કુદરતી સૈદર્યના નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોવાથી પ્રકૃતિપ્રેમીઓની ભીડ જામે છે. 

આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ વાતાવરણ બદલાતા ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી પ્રવાસીઓને સાપુતારા હિલ સ્ટેશનમાં સ્વર્ગ સમાન નજારો જોવા મળ્યો હતો. સહેલાણીઓએ અદભુત નજારાની મોજ માણી હતી. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા સહેલાણીઓ પરિવાર સાથે ટેબલ પોઈન્ટ સાપુતારાના લેક ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે જ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઝીરો વિઝીબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં સવારથી સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ખાબક્યો છે, જ્યારે પારડી, વલસાડ,અને વાપીમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ- 3.24 ઇંચ, પારડી- 2.92 ઇંચ, ઉમરગામ- 3.84, ધરમપુર- 1 ઇંચ, વાપી-3.32 ઇંચ, કપરાડા-1.32 ઇચ જેટલો વરસાદ ખાબક્યો છે. વલસાડમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ અંડર પાસ બંધ થઇ ગયા છે. તો બીજી તરફ વાપી અને પારડીમાં વરસાદી પાણી ભરાતા અંડર પાસ અને હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. 

હવામાન વિભાગના અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઇ સહ્કે છે. આ સાથે જ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં પન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠા બાદ કરતાં તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત શનિવારે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 11 જિલ્લાના 18 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.41 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

(5:28 pm IST)