Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

'માનવતા માટે યોગ' : વિરમગામમાં વિવિધ સ્થાનો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

શેઠ એમ જે હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં તાલુકાકક્ષા અને સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ ખાતે નગરપાલીકાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ : મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ, પદાધીકારીઓ, વિદ્યાર્થિઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : માનવતા માટે યોગ – આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે  શેઠ એમ જે હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં તાલુકાકક્ષા અને સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ ખાતે નગરપાલીકાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી, વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યા બાદ સરકારી અધિકારીઓ કર્મચારીઓ, પદાધીકારીઓ, વિદ્યાર્થિઓ સહિતના લોકો દ્વારા યોગ પ્રાણાયામ આસન વ્યાયામ કરવામાં આવ્યા હતો. શેઠ એમ જે હાઇસ્કુલ ખાતે વિરમગામના મામલતદાર પી એમ ભટ્ટ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, ડો.તેજશ્રીબેન પટેલ, નિતીન પેથાણી અને ટાઉનહોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ડો.નયનાબેન સારડા, નાયબ મામલતદાર જે જે પરમાર, ચીફ ઓફિસર વિનોદભાઇ રાઠોડ, બ્રિજેનભાઇ પંડ્યા, ગોકુલભાઇ પટેલ, રાજુભાઇ દવે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એસઆરપી કેમ્પ વિરમગામ, આઇઓસી કોલોની, આઇટીઆઇ, આનંદ મંદિર સ્કૂલ, ત્રિપદા પ્રાથમિક શાળા, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ, નવયુગ વિદ્યાલય સહિતના વિવિધ સ્થાનો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શહેર સહિત વિરમગામ તાલુકામાં કરવામાં આવી હતી. આ વર્ષનો મધ્યવર્તી વિચાર 'માનવતા માટે યોગ'ને સાર્થક કરવા માટે વિવિધ વિસ્તારોમાંથી બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર પહોંચ્યા હતા. નરેન્દ્રભાઈએ સપ્ટેમ્બર ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ યુએન સમક્ષ મુકાયો અને ૨૦૧૫ થી તેની ઉજવણીની શરૂઆત પણ થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રથમ સોપાનમાં ૮૪ દેશોએ ભાગીદારી નોંધાવી હતી અને આજે ૧૩૦ દેશના નાગરિકોએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવ્યો છે.

(1:00 pm IST)