Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજસ્થાન ડુંગરપુરના દંપતીએ વિરમગામમાં બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશ આપ્યો

બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ યાત્રા વિરમગામ આવી પહોંચતા સ્વાગત કરાયું : ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં જનજાગૃતિ યાત્રા દ્વારા બેટી બચાવોનો સંદેશ અપાશે

 

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રાજસ્થાનના ડુંગરપુર થી એક દંપતી પોતાના બે બાળકો સાથે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ યાત્રા પર નીકળ્યા છે. યાત્રા વિરમગામ આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડુંગરપુરના દંપતી બ્રિજેશકુમાર સોમપુરા, નીતા ભારતીય‌ અને બાળકો કીમ ભારતીય, અર્ષ ભારતીય દ્વારા બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ યાત્રા અંતર્ગત વિરમગામમાં બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો. જનજાગૃતિ યાત્રા દરમિયાન પત્રિકા વિતરણ, પ્લે કાર્ડ, કવિતા ગાન દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ ખાતે જનજાગૃતિ યાત્રામાં દિવ્યજ્યોત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત વિરમગામના વિવિધ જાહેર સ્થાનો પર પણ બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશ ડુંગરપુર ના દંપતિ દ્વારા આપવામાં આવ્યો હતો. વિરમગામથી આ યાત્રા સુરેન્દ્રનગર તરફ આગળ વધશે અને ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશ આપવામાં આવશે.

(12:19 pm IST)