Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોડાસા નજીક ટ્રિપલ અકસ્માત, છ જીવતા ભડથું થયાની આશંકા

અરવલ્લી જિલ્લામાં મોટી દુર્ઘટન સામે આવી : આ ભયંકર અકસ્માત બાદ મોડાસા-નડિયાદ હાઈવે પર જોરદાર ટ્રાફિક સર્જાયો, જે બાદ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો

અરવલ્લી, તા.૨૧ : જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોડાસાના કોલીખડ પાસે એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. બે ટ્રક અને એક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે આ આગમાં ૬ લોકો જીવતા ભડથું થયુ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હોવાના પ્રાથમિક વિગતો સામે આવી છે. તો ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ ભયંકર અકસ્માત બાદ મોડાસા-નડિયાદ હાઈવે પર જોરદાર ટ્રાફિક સર્જાયો હતો. જે બાદ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને આગ કેવી રીતે એ જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ પાસે બે ટ્રક અને એક કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. ધડાકાભેર થયેલા અકસ્માતનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત બાદ જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. થોડી જ ક્ષણોમાં ત્રણેય વાહનો ભીષણ આગની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત બાદ ત્રણેય વાહનોમાં આગ લાગતા ૬ લોકો જીવતા ભડથું થયુ હોવાની આશંકા સેવવામાં આવી રહ્યા છે.

એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, આ અકસ્માતમાં એક વ્યક્તિ દાઝેલી હાલતમાં વાહનમાંથી ઉછળીને બહાર પડ્યો હતો. ગંભીર રીતે દાઝી જવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી.

અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં ફાયર વિભાગની ટીમે આગ લાગેલા વાહનો પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી તરફ, આ ગોઝારા અકસ્માત બાદ લાગેલી આગના કારણે હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. દૂર દૂર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. જે બાદ ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

(8:10 pm IST)