Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

શ્વેતપત્ર નહીં અપાય ત્યાં સુધી ચાલુ રહેશે આંદોલન' :તાપી-પાર પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત પર વિપક્ષનું મોટું નિવેદન

વિપક્ષ દ્વારા શ્વેપપત્ર પર લખાણની કરવામાં આવી માંગણી : યોજનાના નાણા બજેટમાં કોના માટે ફળવાયા ? સ્વિકૃતિ વગર 500 કરોડ કેવી રીતે ફાળવ્યા ?

અમદાવાદ : તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસીઓના હિતમાં પીછેહઠ કરતા મહત્વનો નિર્ણય લેતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. તો બીજી તરફ વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. શ્વેતપત્ર મારફતે લખાણ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના વિપક્ષ દ્વારા નિવેદન કરવામાં આવી રહ્યા છે.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, યોજનાના નાણા બજેટમાં કોના માટે ફળવાયા ? સ્વિકૃતિ વગર 500 કરોડ કેવી રીતે ફાળવ્યા ? આદિવાસી સમાજના મત ભાજપને નથી મળવાના. આદિવાસીઓના સળગતા પ્રશ્ન પર વહેલી જાહેરાત કેમ ન થઈ ? ચૂંટણી આવવાની છે એ માટે સરકારે જાહેરાત કરી છે. શ્વેતપત્ર મારફતે અમને લખાણ નહી મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

તાપી-પાર રિવરલીંક યોજના રદ્દ થવા મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, પહેલી માર્ચે સી.આર પાટીલે પણ જાહેરાત કરી હતી. અમને જ્યાં સુધી શ્વેતપત્ર નહી અપાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમે જુદા જુદા તાલુકા, જિલ્લાઓમાં કાર્યક્રમો કરીશું. આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ-દિલ્હી કોરિડોર, ચેન્નાઈ ધોરીમાર્ગના વિરોધમાં આંદોલન કરીશું.

(7:53 pm IST)