Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ કાયમી રદ કરાયો :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની યોજના રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત

આદિવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધના પગલે આખરે ગુજરાત સરકાર દ્વારા તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દેવાયો

અમદાવાદ : તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસીઓના હિતમાં પીછેહઠ કરતા મહત્વનો નિર્ણય લેતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો છે. જેની સત્તાવાર જાહેરાત સુરતથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેરાત કરી છે. મહત્વનું છે કે અગાઉ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને 28 માર્ચના રોજ સ્થગિત કરાયો હતો

તાપી-પાર રિવરલીંક યોજના મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે રદ્દ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકારની મંજૂરી બાદ આગળ વધે છે. આદિવાસી ભાઈ-બહેનોમાં કેટલાક લોકોએ ગેરસમજ ફેલાવી હતી. આદિવાસીઓના હિતમાં અનેક યોજનાઓ બનાવી છે. આદિવાસી સમાજમાં આ યોજના મામલે નારાજગી છે. આદિવાસી ભાઈ-બહેનોની માંગણીને ધ્યાને રાખીને યોજના રદ્દ કરવામાં આવી છે. દમણગંગા-પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજના રદ્દ કરાઈ છે. હાલના સંજોગોમાં આ યોજના સદંતર બંધ કરવામાં આવે છે.

પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના મંત્રીઓ સહિત આગેવાનો  28 માર્ચે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇ પણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો હતો.

(7:08 pm IST)