Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગાંધીનગરમાં વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ૭૦થી વધુ પ્રતિનિધિઓએ વડનગરની રૂબરૂ મુલાકાત લીધી

કીર્તિ તોરણની કોતરણી અને બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી નિહાળી ભાવવિભોર બન્યા

મહેસાણા : વડનગરની ધરતીમાં જ એવું કંઇક છે કે,જગત બદલાયું, શહેરોનાં શહેરો બદલાયાં,વડનગર બદલાયું નથી. ૨૫૦૦ વર્ષ સુધી વડનગરના લોકો પોતાનું ગામ છોડીને કયાંય ગયા નથી.વડનગરનાં સંશોધન પરથી એ પુરવાર થયું છે.  
 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’ ગાંધીનગરમાં યોજાઇ હતી.
 આ ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’માં ભાગ લેવા આવેલા સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ, મ્યુઝિયમ જેવાં વિષયો ઉપર કાર્યરત એવા દેશ-વિદેશના નિષ્ણાતો,અભ્યાસુઓ, લેખકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ  સહિતના ૭૦થી વધુ પ્રતિનિધિઓએ, કોન્ફરન્સના અંતિમ દિવસે વડનગરની ઉત્સાહપૂર્વક રૂબરૂ મુલાકાત લીધી હતી.
  આ પ્રતિનિધિઓએ વડનગરનાં ઐતિહાસિક સ્થળો બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, કીર્તિ તોરણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટની મુલાકાત લઇ, ૨૫૦૦ વર્ષ જૂની સંસ્કૃતિની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી.
  આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ ઉપર, વડનગરની અલગ અલગ જગ્યાએથી ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ અને અવશેષોનાં યોજાયેલાં પ્રદર્શનને પણ, આ પ્રતિનિધિઓએ નિહાળ્યું હતું. આ પ્રતિનિધિઓમાં ગ્રીસ,લંડન, જાપાન, વારાણસી,પશ્ચિમ બંગાળ,છત્તીસગઢ,મહારાષ્ટ્ર  સહિતના રાજ્યોની ભારતની વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ,પ્રોફેસરો,અમદાવાદ અને વડોદરાના પ્રોફેસરોનો સમાવેશ થાય છે.        
 ત્યારબાદ હૉટલ તોરણ ખાતે યોજાયેલા એક સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાંથી આવેલા સૌ કોઇનું વડનગરની ધરતી ઉપર સ્વાગત છે. અહીંની ઊર્જા આખી દુનિયામાં અનુભવાઇ રહી છે.બૌદ્ધ સાધુઓ અહીં પરિભ્રમણ કરતા હતા.અહીંના પથ્થરો પણ બોલે છે.સરકાર ધરોઇ ડેમ,તારંગા,વડનગર,અંબાજી એમ ટુરિઝમની એક આખી સર્કિટ બનાવી રહી છે.
  આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું કે, હું વડનગર આવું તો અહીંની હવા પણ વાત કરે છે.દુનિયામાં કોઇ એવી જગ્યા નથી જ્યાં ૨૫૦૦ કે ૩૦૦૦ વર્ષથી આત્માઓ, તપસ્વીઓ, સાધુઓ અને માણસોનો વાસ હોય.એ અહીંની ઊર્જા છે. એ  ઊર્જાને હું અનુભવી રહ્યો છું. દુનિયા આખી વડનગરને જોવા - જાણવા  આવશે,એ પ્રકારે સરકાર કામ કરી રહી છે.
    આ અવસરે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર,રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમ પ્રકાશ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા,નવી દિલ્હીના અધિકારીઓ, આર્કિયોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર એસ.ડી.ગિલવા અને મહેસાણાના અને ગાંધીનગરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:43 pm IST)