Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગાંધીનગરમાં શિહોલીમોટીની જમીન ખાલી ન કરનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

ગાંધીનગર: ખોટી રીતે જમીન ઉપર કબ્જો કરીને બેઠેલા તત્વો સામે લેન્ડગ્રેબીંગનો કાયદો હથિયારરૃપ સાબિત થઇ રહ્યો છે જે અંતર્ગત ગઇકાલે કરાઇની જમીન પચાવી પાડનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આજે શિહોલામોટીમાં પણ ખોટી રીતે જમીન પચાવી ખેતી કરતા તથા ઓરડી બાંધીને રહેતા શખ્સ સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગાંધીનગર તાલુકાના લેકાવાડામાં રહેતા મહિપતસિંહ લક્ષમણસિંહ વાઘેલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે કે, શિહોલીમોટીમાં આવેલી સર્વે નં.૨૨૦ની જમીન ને તે સમયે લેકાવાડામાં રહેતા તખાજી શંકરજી ઠાકોરના બહેને વેચાણ આપવાની વાત કરી હતી. તેમની સાથે સંપર્ક હોવાથી મહિપતસિંહે ૧૫ લાખ રૃપિયામાં જમીન ખરી હતી અને વર્ષ ૨૦૧૧માં કલેક્ટર કચેરીમાં નોંધ પણ પડી હતી. પરંતુ જમીનનો કબજો લેવા જતા શિહોલી મોટીમાં રહેતા રાધેશ્યામ શંકરજી રામાજી ઠાકોર દ્વારા જમીન ઉપર કબ્જો કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં,મહિપતસિંહની જમીનમાં ખેતી પણ કરવામાં આવી રહી હતી. તે વખતે જમીન ગીરો લીધી હોવાનું બહાનું કરીને રેવન્યુ રેકોર્ડમાં તકરાર ઉભી કરી હતી અને નોંધ પ્રમાણિત થવા દેવામાં આવી ન હતી. મુળ માલિક પાસેથી વર્ષ ૨૦૧૧માં જમીન ખરીદી હોવા છતા આ જમીનનો કબ્જો છોડવામાં આવતો ન હતો અને પ્રાંત કચેરી ખાતે કેસ પણ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી બાદ કલેક્ટર કચેરીમાંથી આ કેસમાં મહિપતસિંહ તરફ ચૂકાદો આવ્યો હતો તેમ છતા જમીનનો કબ્જો નહીં આપતા લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ચિલોડા પોલીસ સ્ટેશનમાં રાધેશ્યામ ઠાકોર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(6:12 pm IST)