Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અમદાવાદના રામોલમાં એક જ દિવસમાં હત્‍યાની 2 ઘટનાઃ એક યુવકે જ બે મિત્રોને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્‍યુ

નશો કરવાની ટેવ તથા આંતરિક ઝઘડા મોતનું કારણ બન્‍યા

અમદાવાદઃ શહેરના રામોલ વિસ્‍તારની ન્‍યુ લક્ષ્મીનારાયણના ધાબા પર થયેલ હત્‍યા તથા ખુલ્લા ખેતરના મેદાનમાં રણજીત નામના યુવકની થયેલી હત્‍યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી આરોપી અશ્વિન મરાઠીને ઝડપી લીધો છે. તપાસમાં મરનાર બન્‍ને વ્‍યકિત આરોપીના મિત્ર હોવાનું ખુલ્‍યુ છે.

અમદાવાદના રામોલમાં એક જ દિવસમાં બનેલા હત્યાના બે બનાવોને ગંભીરતા લઈ રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો છે. જોકે આ બન્ને હત્યાને અંજામ આપનાર આરોપી પણ મૃતકોનો મિત્ર જ હોવાનુ સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલ આરોપી પર એક નહિ ઓન બે બે હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. જેને પગલે રામોલ પોલીસે અશ્વિન મરાઠીની ધરપકડ કરી છે. શરીરે અધમરો દેખાતા આ યુવકે એક નહીં પરંતુ બે હત્યાને અંજામ આપ્યો છે.

જો બનાવ અંગેની વાત કરીએ તો રામોલ વિસ્તારની ન્યુલક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી કલ્પેશ નામના યુવકની પોતાના જ ઘરમાં ધાબા પરથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા હત્યારા આરોપી અશ્વિન મરાઠી અંગે માહિતી મળી અને તેને પકડી પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીએ માત્ર એક નહીં બે મિત્રોની હત્યા કરી છે. જેને પગલે નજીકના ખુલ્લા ખેતરના મેદાનમાંથી રણજીત નામના બીજા મિત્રની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે આ હત્યા અંગે આરોપી અશ્વિનને પોલીસે પૂછપરછ કલ્પેશની હત્યા અગાઉના ઝઘડાને કારણે કરી હતી.

રણજીત નામના મિત્રની હત્યાનું પાછળનું કારણ જાણ્યું તે ચોંકાવનારૂ હતું. આરોપીના કહ્યા પ્રમાણે અશ્વિન મરાઠીએ કલ્પેશની હત્યા કરવાની વાત રણજીતને કરેલી. શંકાએ વાતની થઈ કે રણજીતે આ વાત કલ્પેશને જણાવી દેશે તો? જે શંકા આધારે હત્યારા અશ્વિને કલ્પેશ અને રણજીતની હત્યા કર્યા બાદ બંનેનાં વીડિયો પણ બનાવ્યા હતા. પોતે મરાઠા છે તેમજ ઘરમાં ઘૂસીને મારીશ તેવા ડાયલોગ સાથે આ વીડિયો બનાવ્યા હોવાનું મોબાઈલમાં મળી આવ્યું હતું.

રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા અશ્વિનને ઝડપી પડ્યો હતો. જોકે હત્યારો અશ્વિન અને મૃતક કલ્પેશ તેમજ રણજીત વર્ષો જૂના મિત્રો હતા. જોકે આ મિત્રો નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું ખુલ્યું છે. જેમાં આ મિત્રોના આંતરિક ઝઘડા મોતનું કારણ બન્યા છે. જોકે આ ગુનામાં રણજિતની હત્યા કરેલી લાશ જે સ્થિતિમાં મળી આવી તે જોતા આરોપી અશ્વિનની સાથે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ હોવાની આશંકાએ પોલીસે તપાસ તેજ કરી છે.

(5:10 pm IST)