Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આજે રાજીવ ગાંધીની પુણ્‍યતિથિ : ભારતને મજબૂત અને પ્રગતિશીલ બનાવવામાં જબ્‍બર યોગદાન

સત્‍ય, પ્રેમ અને કરૂણાના ચાહક નેતાને મનિષ દોશીની કલમે શ્રધ્‍ધાસુમન

અમદાવાદઃ રાજીવ ગાંધી - એક શક્‍તિ, એક વિચારધારા, એક દૃષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે. રાજીવ ગાંધી સ્‍વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચારો - વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા ધરાવતા હતા. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્‍ય છે. ‘એકવીસમી સદીના ભારતનું નિર્માણ'કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું તેમજ ભારતને હાઈ-ટેકનોલોજીથી પરિપૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જે આજે સફળ થતું અનુભવી શકીએ છીએ. (જન્‍મ તા. ૨૦ ઓગષ્‍ટ ૧૯૪૪, અવસાન તા. ૨૧મે ૧૯૯૧)
વિશ્વમાં રાજીવ ગાંધીની એક એવા યુવા-રાજનેતા તરીકે ગણના થાય છે, જેમણે ૪૦ વર્ષની વયે દેશનું નેતૃત્‍વ કર્યું  હોય. દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો હતો.
 હમણાં જ ટોકિયો ઓલોમ્‍પિક સમાપ્ત થયો. ત્‍યારે એ પણ યાદ કરવું જરુરી છે કે નવેમ્‍બર ૧૯૮૨માં જયારે ભારતને એશિયન ગેઈમ્‍સનું યજમાન પદ મળ્‍યું, ત્‍યારે સ્‍ટેડિયમના નિર્માણ અને અન્‍ય બુનિયાદી સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી, રાજીવ ગાંધીએ ક્ષમતા અને સમન્‍વયતાથી સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી અને ભારતની ક્ષમતાનો દુનિયાને પરિચય કરાવ્‍યો હતો.
રાજીવ ગાંધી સંયમી વ્‍યક્‍તિ હતા, તેમની કોઈ પ્રકારની વ્‍યક્‍તિગત મહત્‍વકાંક્ષા હતી નહીં. ભારતનું કલ્‍યાણ એ જ તેમનો લક્ષ્ય હતું. ૩૧ ઓક્‍ટોબર,૧૯૮૪ના રોજ તેમના માતાની ક્રૃર હત્‍યા થઈ, બાદમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્‍યું અને દેશના વડાપ્રધાનની જવાબદારી સ્‍વીકારી. પરંતુ વ્‍યક્‍તિગત રુપથી એટલા દુખી હોવા છતાં રાજીવ ગાંધીએ સંતુલન, મર્યાદા અને સંયમની સાથે રાષ્ટ્રીય જવાબદારીનું શ્રેષ્ઠત્તમ રીતે નિર્વહન કર્યું.
રાજીવ ગાંધી ‘આધુનિક ભારતના નિર્માતા' હતા, એમાં કોઈ બેમત નથી. રાજીવ ગાંધીની વડાપ્રધાન તરીકેની મુખ્‍ય સિદ્ધિઓ.
(૧)  ૧૮ વર્ષે આપ્‍યો મતાધિકાર - લોકશાહીનું નવસર્જનઃ    દેશમાં પહેલાં મતદાન કરવાની વયમર્યાદા ૨૧ વર્ષની હતી. રાજીવ ગાંધીની સરકારે ૧૯૮૯માં ૬૧મા સુધારા થકી મત (વોટ) આપવાની વયમર્યાદા ૨૧થી ઘટાડીને ૧૮ વર્ષની કરી. આમ, રાજીવ ગાંધીએ દેશની યુવાનોને અમૂલ્‍ય અધિકાર આપ્‍યો.
(૨) કોમ્‍પ્‍યુટર ક્રાંતિઃ રાજીવ ગાંધી સ્‍પષ્ટ માનતા કે સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજીની મદદ વિના દેશમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકશે નહીં. રાજીવ ગાંધીની સરકારે કોમ્‍પ્‍યુટર ફક્‍ત ઘેર-ઘેર અને દરેક ઓફિસમા પહોંચાડ્‍યા,એટલું જ નહીં ભારતમાં ઈન્‍ફર્મેશન ટેકનોલોજીના ફેલાવામાં મહત્‍વની ભૂમિકા નિભાવી. ભારતમાં કોમ્‍પ્‍યુટર ક્રાંતિ લાવવાનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે.
(૩) પંચાયતી રાજ વ્‍યવસ્‍થાનો પાયા નાખ્‍યોઃ    રાજીવ ગાંધી માનતા કે પંચાયતી રાજવ્‍યવસ્‍થા મજબૂત થશે નહીં, ત્‍યાં સુધી લોકશાહીનો લાભ ગામડાંઓને મળશે નહીં. રાજીવ ગાંધીની સરકારે પંયાચતી રાજ-વ્‍યવસ્‍થાને સંપૂર્ણ ડ્રાફટ તૈયાર કર્યો. આમ, દેશમાં ત્રિ-સ્‍તરીય પંચાયતી રાજવ્‍યવસ્‍થાનો પાયા નાખવાનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે.
(૪)લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારીઃ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપી સુનિヘતિ કરી. જેના પરિણામે ભારત દેશમાં એક લાખ કરતા વધુ મહિલાઓ ગ્રામ્‍ય પંચાયતમાં સરપંચ તરીકેની જવાબદારી સંભાળી રહી છે.
(૫)નવી શિક્ષણ નીતિઃ રાજીવ ગાંધીની સરકારે ૧૯૮૬માં નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિમાં જાહેરાત કરી. આ અંતર્ગત દેશભરમાં ઉચ્‍ચ શિક્ષણ વ્‍યવસ્‍થાનું આધુનિકીકરણ અને વિસ્‍તરણ થયું.તેમજ દેશમાં કોમ્‍પુટર શિક્ષણ શરુ કરવામાં આવ્‍યું.
(૬)દૂરસંચાર ક્રાંતિઃ  આજે ભલે દેશમાં મોબાઈલ ક્રાંતિની વાત થતી હોય, પરંતુ વર્ષો પહેલાં એટલે કે ૧૯૮૪માં રાજીવ ગાંધીએ ભારતીય દૂરસંચાર નેટવર્કની રચના કરવા માટે સેન્‍ટર ફોર ડેવલપમેન્‍ટચ ઓફ ટેલીમેટિક્‍સ(સી-ડોટ)ની સ્‍થાપના કરી. શહેરથી ગામ સુધી ટેલીફોનના પીસીઓ બુથ ખોલવાનો આરંભ થયો, જેનાથી ગામડાંની પ્રજા પણ દેશ-દુનિયા સાથે સંવાદ કરતી થઈ. ત્‍યારબાદ ૧૯૮૬માં રાજીવ ગાંધીની પહેલથી એમટીએનએલની સ્‍થાપના થઈ, જેના થઈ દૂરસંચાર ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ. જો કે આજે એમટીએનએલ - બી.એસ.એનસ.એલ. વેચવાની સરકાર તૈયાર કરી રહી છે, એ જુદી વાત છે.
(૭) નવોદય વિદ્યાલયનું સર્જનઃ રાજીવ ગાંધીની સરકારે ગામડાં અને શહેરોના પ્રતિભાશાળી બાળકોને શ્રેષ્ઠત્તમ શિક્ષણ મળી રહે એ હેતુથી નવોદય વિદ્યાલયની સ્‍થાપના કરી, આ અંતર્ગત બાળકોને ધોરણ ૬ થી ૧૨ સુધી નિ-શુલ્‍ક શિક્ષણ અને હોસ્‍ટેલમાં રહેવાની સુવિધા મળે છે. આજે હજારો ગરીબ બાળકો આઈ.આઈ.ટી. સહિતની અનેક સંસ્‍થામાં ઉચ્‍ચતમ શિક્ષણ મેળવીને ભારત નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.
(૮) ૧૯૮૭માં ટેકનોલોજી મિશન દ્વારા સાર્વત્રિક રસીકરણ, શુધ્‍ધ પીવાનું પાણી, તેલબીયા, શિક્ષણ, ટેલીકોમ્‍યુનિકેશનના પાયાગત, માળખાકીય સગવડ - સુવિધાઓ ઉભી કરીને આધુનિક ભારતના નિર્માણ તરફ શ્રેષ્ઠ પગલા ભર્યા.
(૯) વિશ્વભરમાં ‘ડિસ્‍ટન્‍સ એન્‍ડ ઓપન એજયુકેશન'નો કન્‍સેપ્‍ટ પ્રચલિત હતો, ત્‍યારે રાજીવ ગાંધીએ અભ્‍યાસ કરવા ઈચ્‍છતાં ભારતના યુવાનોને ધ્‍યાનમાં રાખીને ઈન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(ઈગ્નૂ)ની સ્‍થાપના કરી. આજે ઈગ્નુમાં લાખો વિદ્યાર્થીઓ ઘેર બેઠાં અભ્‍યાસ કરી રહ્યાં છે.
(૧૦)આજે અમેરિકા ભારતનું મજબૂત રણનીતિક ભાગીદાર છે. આ સંબંધના બીજ રાજીવ ગાંધીએ રોપ્‍યા હતા. રાજીવ ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં મહત્‍વપૂર્ણ સુધારાનો આરંભ થયો.
(૧૧)રસીકરણ કાર્યક્રમ :  દેશમાં ઓરી-અછબડા શીતળા,મેલેરિયા, હિપેટાઈટિસ-બી, પોલીયો, સહીતની રસી વિદેશથી માંગવવી પડતી હતી જે મોંઘી અને વિલંબથી ઉપલબ્‍ધ થતી હતી. રાજીવ ગાંધીજીએ દેશના વૈજ્ઞાનિકોને બોલાવી ઉત્‍પાદન અને સંસોધન માટે તમામ વ્‍યવસ્‍થાનની શરૂઆત કરાવી જેના પરિણામે આજે દેશમાં રસી(વેક્‍સિન)ના ઉત્‍પાદન ક્ષેત્રે ભારત આત્‍મનિર્ભર બન્‍યું સાથોસાથ રસીકરણ રાષ્ટ્રીય કાર્યકમનીઝુંબેશને પરિણામે ઓરી-અછબડા શીતળામાંથી મુક્‍તિ મળી અને દેશ ‘પોલીયો મુક્‍ત ભારત' બન્‍યું
 ટૂંકમાં, એટલું જ કહેવું રહ્યું કે, ૨૧મી સદીના સ્‍વપ્‍નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરંદેશી નીતિએ ભારતને એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવ્‍યું. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા, પ્રિય રાજીવજીને પુણ્‍યતિથી નિમિતે શત શત નમન..

 

(11:16 am IST)