Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગુજરાત એટીએસ ટીમે બોગસ વિઝા કૌભાંડમાં 9 વર્ષથી ફરાર સૂત્રધાર મુંબઇનો ધર્મેન્‍દ્ર ઉર્ફે ધર્મેશ ભગત ઝડપાયો

અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે બોગસ વિઝા કૌભાંડના 9 વર્ષથી ફરાર સૂત્રધાર મુંબઈના ધર્મેન્દ્ર ઉર્ફ ધર્મેશ ભગતને ઝડપી લીધો છે. ગુજરાત એટીએસની ટીમે બોગસ દસ્તાવેજ અને સ્ટેમ્પના આધારે 15 લોકોના બોગસ વિઝા તૈયાર કરનાર માલવિયા બંધુની ધરપકડ કરી હતી. આ ગુનામાં મુંબઇનો આરોપી ધર્મેશ ભગત છેલ્લા નવ વર્ષથી ફરાર હતો.

એટીએસની ટીમે ગત તા 10-1-2012ના રોજ મુંબઈ સ્થિત નિરંજન કાળીદાસ માલવીયા અને પ્રકાશ કાળીદાસ માલવીયાને બોગસ દસ્તાવેજ અને જૂદા જૂદા બનાવટી સ્ટેમ્પ સાથે ઝડપી લીધા હતાં. આરોપીઓ વિદેશ જવા ઇચ્છુક લોકોની વિઝા ફાઈલ બનાવટી દસ્તાવેજ અને સ્ટેમ્પ લગાવી તૈયાર કરતા અને લાખો રૂપિયાની રકમ વસુલાત હતા.

નિરંજન અને પ્રકાશ બન્ને ભાઈઓએ આ રીતે બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ સ્ટેમ્પથી તૈયાર કરેલી વિઝા ફાઇલ આધારે 15 લોકોને વિઝા અપાવ્યા હતા. એટીએસની તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ બોગસ વિઝા ધર્મેન્દ્ર ઉર્ફ ધર્મેશ રામનગીના ભગત રહે, મુંબઈ પાસે તૈયાર કરાવતા હતાં.

એટીએસની તપાસમાં પોતાનું નામ ખુલતા ધર્મેશ ભગત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એટીએસના પીઆઈ સી.આર.જાદવ અને ટીમે બાતમીના આધારે નવ વર્ષથી ફરાર ધર્મેશ ભગતને પકડી લીધો છે.

(5:27 pm IST)