Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગાંધીનગરમાં સે-23માં બ્રાન્ડેડ કંપનીના કોપી શૂઝ વેંચતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 9.46 લાખનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:શહેરના સે-ર૩માં આવેલી કમલ સ્પોર્ટસ નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીઓના કોપી કરેલા સિમ્બોલવાળી ટીશર્ટટોપી અને ટ્રેકશુટ સાથે બુટ વેચાતા હોવાની બાતમીના પગલે કંપનીના અધિકારીએ સીઆઈડી ક્રાઈમની ટીમને સાથે રાખી દરોડો પાડતાં આ દુકાનમાંથી ૯.૪૬ લાખ અને રાંધેજાના ગોડાઉનમાંથી ૪૦૦ જોડી બુટ મળી આવ્યા હતા. જેની પણ કિંમત ૧ર લાખ જેટલી થાય છે. આ સંદર્ભે સે-ર૩માં રહેતા બંધુઓ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. આ જથ્થો દિલ્હી અને નરોડામાંથી લવાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

હાલમાં બનાવટી ચીજવસ્તુઓની બોલબાલા છે ત્યારે ગાંધીનગરના સે-ર૩માં આવેલી કમલ સ્પોર્ટસ નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના સિમ્બોલનો કોપી કરીને ડુપ્લીકેટ ચીજવસ્તુઓ વેચાતી હોવાની બાતમી કંપનીઓ વતી કામ કરતી એજન્સીના કર્મચારી સચીન રઘુભર દયાલ શર્માને મળી હતી. જેના પગલે તેમણે સીઆઈડી ક્રાઈમના સીએફસી સેલના પીઆઈ એસ.એમ.ચૌધરીને જાણ કરી હતી અને તેમને સાથે રાખી આ દુકાનમાં તપાસ કરતાં દુકાનમાં હાજર માલિક કમલકુમાર મોહનલાલ કેશવાણી રહે.પ્લોટ નં.પ૦૬/૧વિરાટનગરની બાજુમાં સે-ર૩ હોવાનું જણાયું હતું અને દુકાનમાં તપાસ કરતાં બ્રાન્ડેડ કંપનીના સિમ્બોલવાળા ડુપ્લીકેટ કપડા અને બુટ મળી આવ્યા હતા. જેની કિંમત ૯.૪૬ લાખ રૃપિયા જેટલી થાય છે. જયારે આ સિવાયનો અન્ય મુદ્દામાલ કયાં રાખવામાં આવ્યો છે તે સંદર્ભે પુછપરછ કરતાં કમલભાઈએ કહયું હતું કે રાંધેજાના તેમના મોટાભાઈ સોહનલાલના ગોડાઉનમાં રાખવામાં આવે છે અને જેના પગલે પોલીસે ત્યાં તપાસ કરતાં બ્રાન્ડેડ કંપનીના ૧ર લાખ રૃપિયાની કિંમતના ૪૦૦ જોડી બુટ મળી આવ્યા હતા. જેથી રૃા.ર૧.૪૬ લાખના બુટ અને ડુપ્લીકેટ કપડાંનો જથ્થો કબ્જે કરવાની સાથે સચિન શર્માની ફરીયાદના આધારે આ બન્ને સામે કોપીરાઈટ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી સીઆઈડી ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(5:12 pm IST)